________________
સંસારની વાતો કરવી નહીં. કોઈ ભક્તિ કરવા આવે તો ભલે આવે, પણ એ સિવાય બીજી કોઈ વાત કરવી કે સાંભળવી નહીં.”
શ્રીમદ્ રાજચંદ્ર કરેલી વ્યવસ્થાની અને શરતની વાત સાંભળીને પ્રાગજીભાઈ તો અકળાઈ ગયા અને બોલ્યા, “ઓહ, અમે આ પ્રમાણે રહી શકીએ નહીં.” ત્યારે શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું, “જીવને ભક્તિ કરવી નથી એટલે પેટની ચિંતા આગળ ધરે છે. ભક્તિ કરતાં કોઈ ભૂખે મરી ગયું ? જીવ આમ છેતરાય છે.”
ભક્ત કવિઓ કે સમર્થ પુરુષોએ ક્યારેય બહાનાંનો આશરો લીધો નથી, કારણ કે સત્યના કંટકછાયા પથ પર ચાલવાની એમની પૂર્ણ તૈયારી હોય છે. જેઓ સત્યને માર્ગે ચાલે છે, તેમને ક્યારેય બહાનાંની જરૂર પડતી નથી. જેઓ અસત્યના માર્ગે ચાલે છે, એમને ડગલે ને પગલે બહાનાંની જરૂર પડે છે. આ બહાનાંઓ સાથે એક બીજી વાત પણ સંકળાયેલી છે અને તે છે બતાવેલાં બહાનાને જાળવવાની પ્રવૃત્તિ. એક વાર એક બહાનું બતાવ્યું, પછી એને જાળવી રાખવું પડે છે. પોતાની પત્નીની ગંભીર બીમારીનું કારણ બતાવીને કોઈ અધિકારી કામ પર ન જાય તો એ પછી પત્નીની ‘બનાવટી' બીમારી થોડા દિવસ ચાલુ રાખવી પડે છે. બીમારીનું કારણ બતાવ્યા પછી એ સાંજે પત્ની સાથે બહાર ફરવા નીકળી શકતો નથી.
બહાનાંઓ એક એવી જાળ રચે છે કે જેમાં બહાનાં બનાવનારા જ ખુદ ફસાય છે. બહાનાં બનાવવા માટે એ સતત બેચેન રહેતો હોય છે. ધીરે ધીરે લોકોને એની પોકળતા સમજાતાં એના પરથી એમનો વિશ્વાસ ઊઠી જતો હોય છે. સાધના કરવી હોય તો કોઈ બાબત તેને અટકાવી શકતી નથી. આને માટે જાગૃત થઈને દઢ સંકલ્પ કરવાની આવશ્યકતા હોય છે. તમે વિચાર કરો કે સાધનાના અભાવે અત્યાર સુધી કેવું જીવન વિતાવ્યું ? આત્માની સહેજેય ઓળખ થઈ નહીં, પરમના સ્પર્શની અનુભૂતિનું એક પણ કિરણ પણ લાધ્યું નહીં. માત્ર પોતાના પ્રશ્નોના વિચારમાં જ ગૂંથાયેલા રહ્યા. એની ચિંતાના બોજ હેઠળ જીવતા રહ્યા અને મનથી થાકેલા, તનથી વ્યાધિગ્રસ્ત અને અર્થહીન જીવનથી પરેશાન થતા રહ્યા.
માનવી પાસે ચિંતા સર્જવાની પ્રબળ અને આશ્ચર્યકારક શક્તિ છે. એ હોય તે બાબતોની ચિંતા કરે છે, અને એની સાથોસાથ કેટલીયે
પરમનો સ્પર્શ ૬૯