________________
૬૮ પરમનો સ્પર્શ
હોય છે અને એ જ રીતે સાધક ઈશ્વરને બતાવતો હોય છે. એને સાધક હોવાનો ડોળ કરવો છે, પરંતુ સાધનાના વિકટ માર્ગે જવાનું એનામાં સાહસ હોતું નથી. પરિણામે એ પોતે સાધના કરી શકતો નથી. એને માટે એવું બહાનું આગળ ધરે છે કે આજે ક્યાં કોઈ જગાએ સાચી ઉપાસના ચાલે છે ? બધે જ આડંબર, દેખાદેખી અને સ્પર્ધા છે, આવે સમયે સરખી સાધના થાય ક્યાંથી ?
કોઈ સાધના ન કરી શકવાના કારણ રૂપે જીવનની જવાબદારીઓની યાદી આગળ ધરે છે તો કોઈ વર્તમાન સમયની કામની વ્યસ્તતાને કારણ રૂપે દર્શાવે છે. સામાન્ય માનવીને બહાનાં જેટલું નુકસાન કરતાં નથી, એથી વધુ નુકસાન સાધકને કરે છે. સાધક આવાં બહાનાંઓનો ઉપયોગ કરીને બીજાને છેતરે છે, પણ સાથોસાથ પોતાની જાતને પણ છેતરે છે. આવી આત્મવંચના એની સાધનાને માટે આત્મઘાતક બની રહે છે. આનું કારણ એ છે કે આવું બહાનું બનાવતી વખતે સાધકનો અહંકાર અને આડો આવે છે અને તે શબ્દો દ્વારા પ્રગટ થતો હોય છે. આમ પોતાની મર્યાદાને ઢાંકવા માટે એ આડંબર અને અહંકાર બંનેનો તે આશરો લે છે. બીજી બાજુ એની આત્મદર્શનની પ્રક્રિયા તદ્દન થંભી જતી હોય છે. પોતાની જાતને જોવાને બદલે પોતાનાં બહાનાંઓના બચાવ માટે એ ઝઝૂમતો હોય છે.
શ્રીમદ્ રાજચંદ્રના જીવનમાં એક માર્મિક પ્રસંગ મળે છે. તેઓ ઝવેરચંદ શેઠ નામની વ્યક્તિના ઘરના ઘેર મેડા પર ઉપદેશ આપતા હતા. શ્રીમનો આધ્યાત્મિક ઉપદેશ સાંભળીને સભામાં બેઠેલા પ્રાગજીભાઈ જેઠાભાઈ નામના મહાનુભાવે કહ્યું, “સાહેબ, ભક્તિ તો ઘણી કરવી છે, પણ ભગવાને પેટ આપ્યું છે અને એ પેટ ભોજન માગે છે. માટે એની ચિંતા હોવાથી કરીએ શું ?” - શ્રીમદ્ રાજચંદ્ર એમની લાક્ષણિક ઢબે કહ્યું, “કહો, તમારા પેટને અમે જવાબ દઈએ તો ?”
અને પછી પ્રાગજીભાઈના ભોજનની સઘળી વ્યવસ્થા કરતા હોય તેમ શ્રીમદ્ રાજચંદ્ર યજમાન ઝવેરચંદ શેઠને કહ્યું, “જુઓ, તમે જે ભોજન કરતા હો તે પ્રાગજીભાઈને બે વખત આપજો. તેઓ ઉપાશ્રયના મેડા પર બેસીને નિરાંતે ભક્તિ કરે. પણ શરત એટલી કે નીચેથી કોઈનો વરઘોડો જતો હોય કે સ્ત્રીઓ ગીત ગાતી જતી હોય તો બહાર જોવા જવું નહીં,