________________
૭૦ પરમનો સ્પર્શ
ધારણાઓ, કલ્પનાઓ અને અટકળોને કારણે ચિંતા ઊભી કરતો હોય છે. તમે જ વિચાર કરો કે તમે દશ વર્ષના બાળક હતા ત્યારે કેટલી ચિંતા કરતા હતા, પચીસ વર્ષના યુવાન થયા ત્યારે કેટલી ચિંતા કરતા હતા, પચાસ વર્ષે એનાથીય વધારે ચિંતા કરતા હતા અને પંચોતેર એંસીની ઉંમરે તો ચિંતા એ જ જીવન બની જાય છે, પછી એ ચિંતા સ્વાથ્યને લગતી હોય, સંતાનને લગતી હોય કે ઘરમાં ચાલતા કંકાસને લગતી હોય. સામાન્ય માનવીનું જીવન જોઈએ તો એમ લાગે કે આ ચિંતા જીવનભર માણસનો પીછો છોડતી નથી; એટલું જ નહીં, પણ ઉંમર વધે, તેમ ચિંતાઓનો બોજ પણ વધે છે. બગીચાને બાંકડે બેઠેલા કોઈ વૃદ્ધને પૂછજો તો એ એમના જીવનની પારાવાર ચિંતાઓની વાત કરશે, કારણ એટલું જ કે એણે ચિત્તને પરમમાં પરોવવાને બદલે ચિંતાઓમાં પરોવ્યું છે.
કોઈ વ્યક્તિના જીવનનો વિચાર કરો : એ બાળક હતો ત્યારે કેટલા આનંદમાં હતો અને એણે જ્યારે જગતની વિદાય લીધી ત્યારે એ કેટલો બધો ચિંતાગ્રસ્ત હતો ! મોટા ભાગની વ્યક્તિઓ એમના જીવનમાં પોતાની ચિંતાના કિનારા પર જીવે છે. એમને સામો કિનારો દેખાતો નથી. કેટલીક વ્યક્તિઓ એમ કહે છે કે તમારી ગૃહસ્થીની, નોકરીની, બાળકોના સંસ્કાર અંગેની સઘળી ચિંતા ઈશ્વરને સમર્પ દો. આ પણ યોગ્ય નથી. ચિંતાને દૂર કરવાનો પુરુષાર્થ કરો અને તે ઈશ્વરને સાથે રાખીને કરો એમ કહેવું જોઈએ. પુરુષાર્થ વિના કશું શક્ય બનતું નથી. ઈશ્વર પણ નસીબવાદી કરતાં પુરુષાર્થી પર વધુ સ્નેહ રાખે છે.
એ સાચું કે પુરુષાર્થ કરતી વખતે ઈશ્વર પ્રત્યે ઊંડી શ્રદ્ધા હોવી જોઈએ, જેથી જીવનમાં આવતી પ્રતિકૂળતાઓને યોગ્ય રૂપે સમજી શકાય. જો આવો પુરુષાર્થ ન કરે તો એ એક જુદો રસ્તો અપનાવી લે છે. પોતાની ચિંતાના કારણ માટે કોઈ જ્યોતિષનું શરણું લેશે અને એ જ્યોતિષી એને કહેશે કે આનું મુખ્ય કારણ તો એના ગ્રહોની સ્થિતિ છે. શનિના ગ્રહની પનોતી છે અને રાહુની વક્રદૃષ્ટિ છે. આમ પ્રતિકૂળતા સમયે મક્કમ પુરુષાર્થ કરવાને બદલે એ જ્યોતિષનો આશરો લઈને જીવશે અને પછી કંઈ પણ અઘટિત થશે તો એમાં પોતાનો પ્રમાદ, આળસ કે અવળી મતિને કારણ માનવાને બદલે એ શનિની પનોતી પર સઘળો દોષ ઢોળી દેશે. ધીરે ધીરે એની માનસિકતા જ એવી થઈ જશે કે જીવનમાં આવતી પ્રત્યેક મુશ્કેલીને એ શનિની પનોતી સાથે સાંકળી લેશે. માનવી ચંદ્રની ધરતી