________________
૪૦ પરમનો સ્પર્શ
પરમાત્માનો સ્પર્શ એ અનુભવી શકે છે જે એના તરફ ઉમળકાભેર જાય છે. એના આનંદનો એને જ સાક્ષાત્કાર થાય છે, જેના અંતરમાં એનો ઉલ્લાસ હોય છે. આથી ઈશ્વરભક્તિ એ માત્ર કર્તવ્ય નથી, બલ્ક આનંદનો પ્રબળ આવિષ્કાર છે. ઈશ્વર એવું ઇચ્છતો નથી કે આપણે નિઃસહાય બનીને એના શરણે પડ્યા પડ્યા એદીની માફક જીવીએ. ઈશ્વર તો એ ઇચ્છે છે કે આપણે જીવંત - ચૈતન્યમય સ્વરૂપે જ એની પાસે જઈએ. પરમાત્માના ચહેરા પરની અગાધ શાંતિ એ એમની પ્રસન્નતામાંથી પ્રગટી છે, આથી પરમાત્મા પણ ઇચ્છે છે કે એવી પ્રસન્નતામાં સહભાગી બનવા માટે ભક્ત તડપન સાથે, ભક્તિ સાથે અને ઉલ્લાસભેર પોતાની પાસે આવે. આ રીતે ભક્તિમાં ભક્તની ઈશ્વર સાથે જીવંત ભાગીદારી હોય છે.
વેપારમાં વ્યક્તિ કેવો ભાગીદાર પસંદ કરે ? એ પોતાના જેવો હોશિયાર અને કાર્યક્ષમ હોય તેમ ઇચ્છે. આથી ઈશ્વર પણ એવો ભક્ત ઇચ્છે છે કે જેનામાં તરવરાટ અને થનગનાટ હોય, જેનામાં જોશ અને આવેગ હોય, ફૂર્તિ અને પ્રસન્નતા હોય. એનામાં પ્રમાદ નહીં, પણ પ્યાસ હોય. પરમને પામવાની એવી તીવ્રતા હોય કે એક ક્ષણ પણ આળસમાં ગાળતો ન હોય, સતત જાગૃતિ રાખતો હોય. આ ત્યારે જ શક્ય બને કે જ્યારે આપણે પરમનો સ્પર્શ કરવાનો હેતુ ધરાવતા હોઈએ. જેમ લક્ષ્ય વિનાની દોડ ક્યાંય પહોંચાડતી નથી, તેમ હેતુ વિનાનું કાર્ય કોઈ ફળ આપતું નથી.
દુનિયા આખી થાકીને લોથપોથ થઈ ગયેલા પ્રમાદી માણસોનાં પોટલાં જેવી છે. મોટા ભાગની વ્યક્તિઓ રગશિયા ગાડાની જેમ એકધારું યંત્રવતું જીવન વ્યતીત કરે છે. એમની પાસે કોઈ નિશ્ચિત હેતુ હોતો નથી. જો પરમનો સ્પર્શ પામવો હોય તો એ માર્ગે યાત્રા કરવાનો દઢ સંકલ્પ અને એકાગ્ર હેતુ હોવા જોઈએ. હેતુ હશે તો હામ અને હિંમત આવશે, જોશ અને જુસ્સો લાવશે. લક્ષ્ય અને સાધ્ય દેખાશે. આથી જ સ્વામી વિવેકાનંદ કહ્યું છે, “આળસમાં પડ્યા રહેવા કરતાં જાગૃત બનીને, ધ્યેયની પ્રાપ્તિ માટે મંડ્યા રહો.” અને વિખ્યાત અમેરિકન લેખક એમર્સને પણ યોગ્ય રીતે જ કહ્યું છે, “ઉત્સાહ વિના કોઈ મહાન ધ્યેયની પ્રાપ્તિ થઈ શકતી નથી.”
ધર્મ એ કોઈ જડ, નિસ્તેજ, બગાસાંયુક્ત, શુષ્ક કે નિર્જીવ બાબત