________________
0
૩૬ પરમનો સ્પર્શ
આ પર્વોત્સવના પ્રારંભે સાધક ધીરે ધીરે પરમ પ્રતિ ગતિ કરશે.
એવું નથી કે સાધનાનો પ્રારંભ કર્યો અને તત્કાળ સિદ્ધિ મળી જાય, એ સિદ્ધિ મેળવવા માટે તો એને વર્ષો સુધી સાધના માર્ગે આગળ ચાલવાનું રહેશે, પણ સમય જતાં એને સિદ્ધિની પ્રાપ્તિનો વિચાર પણ નહીં આવે. માત્ર સાધનાની પ્રક્રિયા સતત ચાલી રહ્યાનો પરમાનંદ પ્રાપ્ત થતો રહેશે.
સાધનાની પ્રક્રિયાના પ્રારંભે સાધક ધૈર્ય ધારણ કરીને આગળ ગતિ કરતો હોય છે. એની આ ગતિમાં એક બાજુ પરમનો સ્પર્શ પામવાની તીવ્ર અભિલાષા હોય છે તો એની સાથોસાથ એ માર્ગે યાત્રા કરી રહ્યો હોવાથી અખૂટ આનંદ અનુભવતો હોય છે. કેટલીક વ્યક્તિઓ એમ વિચારે છે કે વિરહિણી મીરાંએ શ્રીકૃષ્ણને માટે કેટકેટલાં આંસુ સાર્યાં અને શૂળની જેમ ભોંકાતી વિરહની કેવી વેદના સહન કરેલી.
હકીકતમાં સંસારનો વિરહ અને અધ્યાત્મની વેદના તદ્દન ભિન્ન હોય છે. સંસારના વિરહ સાથે પારાવાર દુઃખ, અપેક્ષાની તીવ્રતા અને સંયોગ માટેની આતુરતા હોય છે. આધ્યાત્મિક વિરહમાં સતત ઈશ્વરના સાથની અનુભૂતિ સાથે વિરહ અનુભવાતો હોય છે. આથી સંસારીનાં આંસુ અને સાધકનાં આંસુ ભિન્ન હોય છે. સંસારીનાં આંસુ એ જીવનની પીડાનું પરિણામ હોય છે. સાધકનાં આંસુ એ એની આધ્યાત્મિક અભીપ્સાનું આવિષ્કરણ હોય છે. આમ સાધનાના માર્ગ પર ધૈર્યપૂર્વક ચાલતાં અવનવી ઘટનાઓ ઘટતી જશે. પૂર્વના કુસંસ્કારો ધીરે ધીરે નષ્ટ થતા જશે, આજ સુધી ક્યાય, જેને મળવાની ઝંખના કરી નહોતી એવા પરમને પામવાની યાત્રા આરંભી છે તો એમના પારસ-સ્પર્શ માટેની પાવન ઘડીની પ્રતીક્ષા પણ કરવાની રહેશે.
R)
|_