________________
ગાન પણ કરતો રહે.
અંતરની અપરિચિત દુનિયામાં, આત્માની અજાણી ભોમકા પર સાધક જ્યારે પગલાં ભરતો હોય ત્યારે એક અદીઠ એવા અજાણ્યા જગતનો એને સામનો કરવાનો હોય છે. ભૌતિક જીવનમાં આસપાસનું વાતાવરણ પરિચિત હોય છે, તેમ છતાં ઘણી બાબતો અજ્ઞાત હોય છે. તેજસ્વી વિદ્યાર્થી પરીક્ષા આપે છે, પરંતુ એના પરિણામથી એ અજ્ઞાત હોય છે. કોઈની ભાગીદારીમાં વ્યાપારનો પ્રારંભ કરીએ, ત્યારે એના ભાવિમાં થનારા નફા-ખોટથી આપણે અજાણ હોઈએ છીએ. આમ છતાં આસપાસના વાતાવરણની આપણને જાણકારી હોવાથી ભવિષ્યની અગમ્યતા એટલી મૂંઝવતી નથી, જ્યારે અધ્યાત્મમાર્ગમાં તો વાતાવરણ અને ભવિષ્ય બંને સાધકને માટે અગમ્ય હોય છે, આથી એ અજ્ઞાત તરફ જતી વખતે થોડો વિચાર કરશે, પરંતુ આ આધ્યાત્મિક સાહસના આરંભે જ એના ભીતરમાં પ્રચંડ વિસ્ફોટ થશે. ૯/૧૧ના વિસ્ફોટે વર્લ્ડ ટ્રેડ સેન્ટર જેવી ગગનચુંબી ઇમારતને થોડી જ વારમાં ધરાશાયી કરી નાખી, એ જ રીતે આ આધ્યાત્મિકતાનો સ્પર્શ થતાં જીવનની ઘણી બાબતો એકસામટી જમીનદોસ્ત થઈ જશે. આજ સુધી જેના માટે ગૌરવ લેતા હતા, એ ગૌરવ લેવાની વાતનું સ્મરણ સુધ્ધાં શરમજનક બની જશે !
અત્યાર સુધી જે આકર્ષણો ભૌતિક જીવનમાં દોડાવ્યે રાખતાં હતાં, એ આકર્ષણોનું બળ અલોપ થઈ જશે. આ અપરિચિત દુનિયામાં ડગ માંડતી વખતે સાધક વિચારશે કે સાવ દુર્ગમ, અપરિચિત ભૂમિ પર હું એકલો છું, છતાં કશાય ભાર વિના હું ચાલવા પ્રયાસ કરી રહ્યો છું. ભૌતિક જીવનમાં મારા ચિત્ત પર વૃત્તિઓ, કષાયો, મહેચ્છાઓ અને લાલસાનો બોજ હતો. પ્રાપ્તિનો ભાર હતો. પ્રયોજનની સ્પર્ધા હતી. ક્રિયાકાંડભર્યા જીવનમાં ક્રિયા જ લક્ષ્ય બની ગઈ હતી અને તે માત્ર બાહ્ય કર્મકાંડ બની ગઈ હતી, જ્યારે પરમનો સ્પર્શ પામવા માટેના આધ્યાત્મિક જીવનમાં તો આનંદ-ઉલ્લાસ છે. નાચતાં-કૂદતાં, ગાતાં, એકલા ચાલવાનું છે. ક્યારેક હૃદય આપોઆપ ગાઈ ઊઠે છે તો એ ડોલી પણ ઊઠે છે, મનમાં અનોખી મોજ અને મસ્તી છે. બધું જ સહજ છે અને સાથે પદે પદે જાગૃત થયેલી સ્વ-ચેતનાની ઝંકૃતિ સાથે ચાલવાનો આનંદ પણ છે.
જ્યારે પરમની સાથે પ્રગાઢપણે પ્રેમસગાઈ થશે, ત્યારે જીવન પરમાનંદનો પર્વોત્સવ બની જશે.
પરમનો સ્પર્શ ૩૫