________________
૧૮ પરમનો સ્પર્શ
છે, માત્ર એને આવકારવા માટે તમારે હૃદયને નિર્મળ કરવું પડશે.
હૃદયનું આંગણું ત્યારે જ સ્વચ્છ થાય કે જ્યારે વ્યક્તિમાં પરમાત્માને પામવાની તીવ્ર તૃષા હોય. ધર્મપુરુષો અને સંતોના જીવનમાં એક આરત કે ઝંખના હતી. એમણે બાહ્યજીવનના સઘળા અવરોધો અને આકર્ષણો ત્યજીને માત્ર પોતાના ધ્યેય પર નજર ઠેરવી હતી. એમણે ક્યારેય એમ વિચાર્યું નહીં કે જીવનમાં આટલું પદ, ધન, સન્માન, સત્તા પહેલાં પ્રાપ્ત કરી લઉં; પછી નિરાંતે પરમાત્માનું ચિંતન કરીશ. એનાથી તદ્દન વિપરીત એવી એમની વિચારધારા હતી અને તે એ કે જીવનમાં પદ, માન-અપમાન, સુખ-સંપત્તિ એ બધાંની લેશમાત્ર પરવા કર્યા વિના એમણે પરમની પ્રાપ્તિની ખેવના કરી.
સંસારી અને સંત વચ્ચે આ જ ભેદ છે. સંસારી સતત બાહરી પ્રભાવ પ્રગટ કરવા પ્રયત્ન કરે છે અને સંત સતત આત્મસ્વભાવ પ્રગટ E કરવા પ્રયાસ કરે છે. સંસારી જગત સાથેના વ્યવહારોમાં દુઃખ આવતાં
ઈશ્વરનું સ્મરણ કરે છે, જ્યારે સંન્યાસી દુ:ખ કે સુખ – કોઈ પણ સ્થિતિમાં અહર્નિશ નામસ્મરણ કરે છે. સંસારી માટે ઈશ્વરસ્મરણ સ-કારણ અને આયાસયુક્ત હોય છે, સંતને માટે એ નિષ્કારણ અને સહજ હોય છે, આથી સંસારમાં વસનાર સાધકમાં પરમાત્માની પ્યાસ જાગે છે, પરંતુ “માથું મૂકીને હરિના માર્ગે’ ચાલવાની એની તૈયારી હોતી નથી. એ પોતાના આગ્રહો, માન્યતાઓ, ધારણાઓ, ઇચ્છાઓ – એ બધું લઈને પરમાત્માનો માર્ગ પામવા નીકળે છે, જ્યારે સંત એ સઘળું છોડીને પરમાત્માના માર્ગે પ્રયાણ કરે છે.
પરમાત્મ-પ્રાપ્તિનાં સાધનનો વિચાર એ માટે જરૂરી છે કે ઘણી વાર પરમાત્મા અળગો થઈ જાય છે અને માત્ર સાધન જ રહે છે. વ્યક્તિ ઉપવાસ કરે ત્યારે એ કઈ રીતે વર્તે છે તે જુઓ. કેટલાકને માટે ઉપવાસ એ આત્મકલ્યાણનું સાધન નહીં, પણ આત્મશ્લાઘાનું માધ્યમ બની રહે છે. ‘પોતે ઉપવાસ કર્યો છે” એ વાત કોઈ પૂછે કે ન પૂછે, પરંતુ બતાવ્યા વિના રહી શકતા નથી. આવે સમયે ઉપવાસ દૂર જતો રહે છે અને માત્ર અહંકાર તરવરતો રહે છે. વળી વારંવાર “આજે મારે કશું ભોજન લેવાનું નથી' એમ વિચારીને પોતાની ભોજનવૃત્તિનું જ સ્મરણ કર્યા કરે છે અને એ રીતે આત્મસ્મરણને બદલે આહારસ્મરણ કરતો રહે છે. આવો ઉપવાસ સ્વાદવિજયને બદલે સ્વાદવૃત્તિની સ્મરણગાથા બની જાય છે.