________________ 248 પરમનો સ્પર્શ વિરહથી સ્મરે છે તો ક્વચિત્ એને ઠપકો પણ આપે છે, પરંતુ એક ક્ષણ પણ એનાથી ઈશ્વરનું સ્મરણ અળગું થતું નથી, આથી જ એની આતુરતા, એની ઉદાસીનતા, એનો વિરહ અને એનું મિલન એ સાંસારિક ભાવોથી તદ્દન ભિન્ન ભાવાનુભૂતિ હોય છે. જો કોઈ એમ કહે કે અહીં ભક્તને ઈશ્વર મળતો નથી, તેથી ઉદાસીન છે તો તેમાં ઉદાસીનતાનું સહેજેય મહત્ત્વ નથી. ભક્તની પ્રભુમિલનની અભીપ્સાનો મહિમા છે. આથી પગમાં ઘૂંઘરું બાંધીને નાચતી મીરાંના આનંદને આપણે વ્યવહારજગતના આનંદ સાથે સરખાવવાની ભૂલ કરી બેસીએ છીએ. હકીકતમાં ભૌતિક જગતનાં મિલન અને વિરહ કરતાં પરમના સ્પર્શ માટે અનુભવાતાં મિલન અને વિરહ ભિન્ન હોય છે. અધ્યાત્મની ભૂમિકાએ પહોંચતાં સાધક પરમને સાદ પાડે છે, પણ પોતાનો એ સાદ પરમને સંભળાશે કે નહીં એની એ કોઈ ચિંતા કે આશંકા | સેવતો નથી. હકીકતમાં પોતાનો સાદ પરમ સાંભળે છે, એમ માનીને જ એ સાદ પાડતો હોય છે. આનો અર્થ એ કે વ્યવહારજગતના કે પ્રણયજીવનના શબ્દોનો આપણે આધ્યાત્મિક જીવનની ઓળખ માટે ઉપયોગ કરીએ છીએ, પરંતુ એ એના ગહન આધ્યાત્મિક અર્થને પૂર્ણ રીતે પ્રગટ કરી શકતા નથી. સંત કબીર એક વાર રસ્તા પરથી ચાલ્યા જતા હતા અને એકાએક બોલી ઊઠ્યા, “ઓહ ! કેટલી બધી વર્ષા થઈ રહી છે, હું તો પલળી ગયો છું.” બાજુમાં એમના શિષ્યો ગ્રીષ્મની ગરમીને કારણે પરસેવાથી રેબઝેબ બનીને પલળી રહ્યા હતા. એમને સમજાયું નહીં કે સંત કબીર જે વર્ષાનો અનુભવ કરે છે, એ છે ક્યાં ? એમને તો ધોમધખતા તાપનો અનુભવ થતો હતો. બસ, આ જ ભૌતિક ભાવજગત અને આધ્યાત્મિક અનુભવજગત વચ્ચેનો ભેદ છે. શબ્દો સરખા, પણ એમના ભાવ વચ્ચે આભ-જમીનનું નહીં, બલ્ક આકાશ-પાતાળનું અંતર !