________________
૨૪૪ પરમનો સ્પર્શ
અપેક્ષા રાખે કે હું કરોડપતિ બની જાઉં, એ અપેક્ષા રાખે કે મારા જીવનમાં હું અમુક ઉચ્ચ પદ હાંસલ કરું. આવી અપેક્ષાઓ એના મનમાં સતત અથડાતી હોય છે અને એ અધૂરી અપેક્ષાઓ ધીરે ધીરે ચિંતાનું રૂપ લેતી હોય છે. જો વ્યક્તિ આત્મજાગ્રત કે આત્મસંતુષ્ટ હોય તો એને આ અપેક્ષાઓ પજવતી નથી. જેટલી અપેક્ષા ઓછી, એટલો ચિંતાનો બોજ હળવો. એક અર્થમાં કહીએ તો એ માનવી સ્વયં પોતાની બાહ્ય ઇચ્છાઓને આધીન રહીને પોતાની જાતને આંતરિક રીતે દુ:ખી અને ચિંતાગ્રસ્ત રાખતો હોય છે. આવી ચિંતાને ચિત્તમાંથી દૂર કરવી સરળ છે.
માણસના મનમાં કેટલીક ચિંતાઓ સ્થાયી રૂપે એવું આસન જમાવીને બેઠી હોય છે કે જેને દૂર કરવી સર્વથા અશક્ય હોય છે. વ્યક્તિનો એકમાત્ર પુત્ર વિકલાંગ હોય અથવા વ્યક્તિને ગંભીર અસાધ્ય બીમારી લાગુ પડી હોય, તો આવી ચિંતા એના મન પર સતત સવાર રહે છે. આવી સ્થાયી સમસ્યાઓની ચિંતા કરીને રોજેરોજ વ્યક્તિ પોતાના જીવનને વ્યગ્ર બનાવે છે, ચિત્તને વ્યાકુળ બનાવે છે. આ સમયે એણે વિચારવું જોઈએ કે આવી ચિંતામાંથી મુક્તિ મેળવવી મારે માટે અશક્ય છે, તો શા માટે અશક્યને શક્ય બનાવતા પરમ તત્ત્વ પર શ્રદ્ધા મૂકીને જીવવું નહીં ?” એ પરમાત્માએ ઘણી અસંભવિત વાતોને સંભવિત બનાવી છે, તો આ વાત પણ સંભવિત બને એવી શ્રદ્ધાના તેજથી એ ચાલે તો એની ચિંતા આપોઆપ હળવી થઈ જશે. સામાન્ય માનવી ઘણી વાર “માટીના માણસથી જે શક્ય ન બને, તે ઈશ્વરથી શક્ય બને છે” એમ કહે છે.
આનો અર્થ એ નથી કે ઈશ્વર કોઈ ચમત્કાર સર્જી અને ચપટી વગાડીએ તેટલા સમયમાં આપણી અત્યંત દુઃસહ્ય પરિસ્થિતિ દૂર થઈ જાય. આનો મર્મ તો એ કે પરમ પરની આવી દૃઢ શ્રદ્ધાને પરિણામે એની જીવનદૃષ્ટિમાં પરિવર્તન આવશે. ઈશ્વરશ્રદ્ધાનું બળ એને માટે સહાયક અને સાંત્વનારૂપ બનશે. એની દૃષ્ટિ સમક્ષ ચિંતાની સ્થિતિને બદલે પરમ તત્ત્વની ઉપાસનાનો ભાવ જાગશે. એ પછી દુઃખ એ દુઃખ નહીં રહે અને મનમાં સતત ઘૂમરાતી ચિંતા આથમી જશે. આમ, ચિંતા દૂર કરવી શક્ય હોય તો તેવી ચિંતા માટે પ્રયત્ન ને પુરુષાર્થ અને જે ચિંતા અશક્ય હોય તે માટે પરમાત્માની શ્રદ્ધા અને સમર્પણ જરૂરી છે.