________________
૪૪
અગમ પિયાલો પીઓ મતવાલા
અધ્યાત્મઝંખના સેવતા મુમુક્ષુની ભાવસૃષ્ટિ અને એના માનસવિશ્વમાં કેવું આશ્ચર્યજનક અને તદ્દન વિરુદ્ધનું લાગે તેવું પરિવર્તન આવે છે ! સાંસારિક અને આધ્યાત્મિક જગતમાં એક જ ભાવ કેવાં ભિન્ન ભિન્ન રૂપે પ્રવર્તે છે ! સાંસારિક જીવનમાં જાગતો પ્રેમ અનેક વૃત્તિઓ અને અતિ પ્રબળ આવેગો સાથે ધસમસતો આવે છે. એ પ્રિયજનને માટે કેટલાય મનોરથ સેવતો હોય છે. ક્યારેક એમાં કામની નિરંકુશ ભરતી સર્જાય છે તો ક્યારેક એમાં એકાએક ઓટ આવે છે. ક્વચિત્ શંકાનો કીડો સતત સળવળતો અને પ્રેમીના મનનો પીછો કરતો રહે છે તો ક્વચિત્ એમાં સ્વાર્થ કે દ્વેષનો ભાવ ભળે છે. સાંસારિક પ્રેમ પોતાની એક આગવી, રોમહર્ષક, બહારી, આવેગશીલ સૃષ્ટિ રચતો હોય છે.
વ્યક્તિ પ્રિયજનની નજરે જગત નીરખે, ત્યારે એનું સમગ્ર જગત | પ્રિયજનની આસપાસ પરિભ્રમણ કે વણથંભી પ્રદક્ષિણા કરતું હોય છે. દુન્યવી પ્રેમમાં અતિ તીવ્ર આકર્ષણ હોય છે તે હકીકત છે અને જેમ આશિક જગતમાં એકલી માશુકને જોતો હોય અને માશુકા જગતમાં માત્ર આશિકને જ જોતી હોય તેવું બને છે. સાંસારિક પ્રેમમાં બે પ્રિયજનો સતત એક થવાનો પ્રયાસ કરતાં હોય છે અને એમનો એ પ્રયાસ સુખી અને સમૃદ્ધ જીવન માટેનો હોય છે. હકીકતમાં ક્યારેય બે વ્યક્તિઓ સમાન હોતી નથી, આથી એ સમાનતા માટે સમજણ કે સમાધાનનો સહારો લઈને એક થઈને સંવાદી જીવનસંગીત સર્જવાનો પ્રયાસ કરે છે.
પરમની પ્રાપ્તિ માટે આવા સમાધાનનો આયાસ કે સમજણભર્યો પ્રયાસ જરૂરી હોતા નથી. એનું કારણ એ છે કે એમાં પ્રેમનું સમગ્ર ગણિત પલટાઈ જાય છે. પ્રેમમાં મિલનનો આનંદ હોય છે અને વિરહની વેદના હોય છે. દેહસૌંદર્યનું આકર્ષણ હોય છે અને કામભોગનું સુખ હોય છે. વ્યક્તિના જીવનમાં સતત જુદા જુદા ભાવો ભિન્ન ભિન્ન તીવ્રતા સાથે
પરમનો સ્પર્શ ૨૪૫