________________
૨૪૨ પરમનો સ્પર્શ
પરમને સ્પર્શનારા સાધકના જીવન વિશે વિચારવું જોઈએ કે એણે પોતાના જીવનમાં ભૂલ પ્રત્યે કેવો અભિગમ દાખવ્યો. એ ભૂલ થયા બાદ પોતાના જીવનને કઈ રીતે ગાળ્યું અને પરમના માર્ગે વાળ્યું. પુનઃ આવી ભૂલ ન થાય તે માટે કેવી જાગૃતિ દાખવી. મહાત્મા ગાંધીજીએ બાળપણમાં ચોરી કરી હતી અને વિકારો પણ અનુભવ્યા હતા, પરંતુ એમાંથી જીવનજાગૃતિને પરિણામે સામાન્ય અને સાધારણ બાળક મોહન વિશ્વવંદ્ય મહાત્મા ગાંધીજી બન્યો.
માત્ર પોતાના જીવનની ભૂલોમાંથી જ બોધપાઠ મળે છે એવું નથી. અન્યના જીવનની ભૂલોમાંથી પણ આપણે બોધપાઠ મેળવી શકીએ છીએ. બીજાની સાથે અવિનયી, ઉદ્ધત અને તોછડાઈભર્યું વર્તન કરનારને જાકારો મળતો જોઈને વ્યક્તિ સ્વયં વિચારે કે મારે જીવનમાં અન્ય વ્યક્તિ સાથે કેવું વિનયી અને સૌજન્યપૂર્ણ વર્તન કરવું જોઈએ. અભિમાન અને ઘમંડને કારણે ઘણું ગુમાવનારી વ્યક્તિને જોઈને અન્ય વ્યક્તિ એમ વિચારી શકે કે જીવનમાં નમ્રતાનો શણગાર ધારણ કરવો જોઈએ. આખી જિંદગી વ્યર્થ અને નકામી બાબતોમાં જીવન ગાળનાર વ્યક્તિને મૃત્યુને આરે નિસાસા નાખતી જોઈને બીજી વ્યક્તિ એટલો બોધ જરૂર તારવી શકે કે હું મારા જીવનમાં આવી ભૂલ નહીં કરું, આની માફક હું મારું જીવન વેડફી નહીં નાખું. આમ એ વ્યક્તિ બીજાની ભૂલને જોઈને સ્વયં જીવનમાં બોધ મેળવતી હોય છે અને સમયસર ચેતી જતી હોય છે.
હવે માનવમનના મહાલયની ચોપાસ ઘેરો ઘાલતી ચિંતાનો વિચાર કરીએ. ઘરમાં કે બગીચામાં તમે હીંચકા પર બેઠા હશો. હીંચકાની એ ગતિનો વિચાર કરીએ તો એ સામેની બાજુએ છેક ઊંચે જાય અને પછી એટલા જ વેગથી એ પાછળની બાજુએ ઊંચે જશે. આમ હીંચકો ખાતો માણસ થોડા સમય પછી એ હીંચકો થોભાવે છે, ત્યારે એણે જ્યાંથી હીંચકો ખાવાનું શરૂ કર્યું હતું, ત્યાં જ આવીને ઊભો હોય છે !
બસ, આપણા મનમાં જાગતી ચિંતાની ગતિ હીંચકાની ગતિ જેવી હોય છે. ચિંતા તમારા મનને આમ-તેમ ખૂબ દોડાવશે. આગળ-પાછળ ખૂબ ઘુમાવશે. વિચારોને ફરતા ભમરડાની માફક સતત ગોળ ગોળ ફેરવશે. ઘડિયાળના લોલકની જેમ એક બાજુથી બીજી બાજુ મન પળનાય વિલંબ વિના દોડતું રહેશે. આ બધાને અંતે વિચાર કરશો તો તમે જ્યાં હશો ત્યાં જ ઊભા હશો. જ્યારે હીંચકો ચાલતો હતો ત્યારે થોભીને એક શ્વાસ