________________
બદલતો જ રહે છે. એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર કૂદતા વાંદરાની માફક એ વ્યક્તિ વધુ ને વધુ વ્યક્તિઓને છેતરવા માટે કૂદકા લગાવતો રહે છે.
કરોડો રૂપિયાના કૌભાંડો કરનારાઓએ શરૂઆત તો પચાસ હજાર કે લાખની ઉચાપતથી કરી હોય, પણ ધીરે ધીરે એમાં સતત ‘અધ:ગતિ'ના પરિણામે કૌભાંડ વધતું જાય. પહેલી વાર કોઈને છેતર્યા પછી મનોમન એમ થયું હોય કે “આ સારું કર્યું નહીં', પણ પાંચમી વાર બનાવટ કરવાની કે છેતરવાની એવી આદત પડી જશે કે પછી એમ જાણ થાય કે “મારા આ કૌભાંડને કારણે કેટલાય ગરીબોએ માંડ માંડ બચાવીને એકઠી કરેલી મૂડી ખર્ચાઈ જશે અને કેટલાયનાં જીવન તબાહ થઈ જશે' તોપણ પેલી ભૂલની આદત એને અટકવા નહીં દે. નાની નાની ચોરીથી શરૂ કરનાર સમય જતાં મહાચોર બની જાય છે.
જીવનમાં વારંવાર ભૂલ કરતી વ્યક્તિની ‘સ્ટાઇલ” જોવા જેવી હોય છે. ભૂલ કરવાના અનુકૂળ સંજોગો હોય છે ત્યારે એ ભૂલ કરતો રહે છે. કરેલાં કોઈ પણ ભૂલ, પાપ કે દોષની વ્યાજ સહિત ચુકવણી કરવી પડે છે. ભૂલ છૂપી રહી શકતી નથી. એ અંતે છાપરે ચડીને પોકારે છે ત્યારે એ ભૂલ કર્યાનો ભારે વસવસો થાય છે. ખોટું કર્યા માટે પસ્તાવો થાય છે. ભૂલ કરનારો પોતાના દોષનિવારણ માટે મંત્રજપ કરે છે. કરેલાં પાપમાંથી મુક્ત થવા માટે ગુરુનું માર્ગદર્શન લે છે. પોતાના પાપનિવારણ માટે પ્રાયશ્ચિત્ત આપવા કહે છે, પરંતુ આ બધું એ ત્યારે કરે છે જ્યારે એના પાપનો ઘડો ભરાઈ ગયો હોય છે અને એનો સહુને ખ્યાલ આવી ગયો હોય છે.
જેને પરમનો સ્પર્શ પામવો છે એ વ્યક્તિ પોતાના જીવનમાં થતી નાનામાં નાની ભૂલ તરફ કેવો અભિગમ દાખવશે ? જીવનમાં જાગૃતિથી જીવનાર એ પોતાની પહેલી ભૂલ અંગે જ ગંભીરતાથી વિચાર કરશે. કોઈ કડવું કારેલું ખાધું હોય અને પછી વ્યક્તિ મોંમાંથી ઘૂ ઘૂ કરીને એને બહાર ફેંકી દે છે, પછી બીજી વાર એને ખાવાનું નામ ન લે, એવું જાગૃત માનવીનું પોતાની ભૂલ અંગે વલણ હોવું જોઈએ. આવું વલણ ત્યારે કેળવાય કે જ્યારે વ્યક્તિની પાસે પળનો પણ પ્રમાદ ન હોય અને પરમના સ્પર્શનું પરમ ધ્યેય હોય. જો એની પાસે જીવનનું કોઈ ધ્યેય નહીં હોય તો એને એની પહેલી ભૂલ સહેજે ગંભીર નહીં લાગે.
પરમનો સ્પર્શ ૨૪૧