________________
ભયથી સન્માર્ગે વાળવાની કોશિશ થાય છે.
આનું પરિણામ એ આવે છે કે માણસ એના જીવનમાં નરકની યાતનાથી જરૂર ડરે છે, પણ સાથોસાથ એ સ્વજીવનમાં સ્વર્ગ સર્જવાનો વિચાર કરતો નથી. ધર્મક્રિયાઓ એને પાપના ભારથી અને ભયથી એટલો બધો દબાવી દે છે કે એના ઊર્ધ્વજીવનના આનંદની આકાંક્ષા ગૂંગળાઈ - ગૂંગળાઈને, રિબાઈ - રિબાઈને કરુણ મૃત્યુ પામે છે.
માણસના જીવનમાં કેટલાક વાસ્તવિક ભય હોય છે. એને નોકરી ગુમાવવાનો ભય હોય છે કે દીકરો નપાસ થશે તેવો ભય હોય છે. પ્રમોશન મળશે કે નહીં મળે એનો ભય હોય છે કે પછી પોતાના બૉસના
ગુસ્સાનો ભય હોય છે. આવા વાસ્તવિક ભય કરતાં પણ કાલ્પનિક ભય "જ માનવીના મન પર વધુ સવાર થઈ જાય છે અને એને પરિણામે આજના
માનવીનું જીવન સતત ભય ભરેલું લાગે છે. એ ખડખડાટ હસવાનું ભૂલી ગયો છે. એના ચહેરા પર આનંદના બદલે ટેન્શન અને સ્ટ્રેસ દેખાય છે, એની ધર્મક્રિયામાં આંતરિક ઉલ્લાસની અભિવ્યક્તિને બદલે બાહ્ય દૈહિક વ્યાયામ નજરે પડે છે. ભગવાન બુદ્ધ, યોગી આનંદઘન, સંત કબીર કે પૂજ્ય મોટાના ચહેરા પરનો ઉલ્લાસ નજરે પડે છે ખરો ?
માણસ એના ભયને બરાબર પારખે તે જરૂરી છે. આજે તો એ દરેક ભય પર “પોતાના જીવનમાં આવેલા દુ:ખ'નું લેબલ લગાડીને જીવી રહ્યો છે, આથી દુ:ખના મૂળમાં જઈએ તો કોઈ ભય દેખાશે અને ભયના મૂળમાં જઈએ તો ભાગેડુ વૃત્તિ નજરે પડશે. આથી વ્યક્તિએ પોતાના ચિત્તમાં રહેલા ભય વિશે ચિકિત્સા કરવી જોઈએ અને એના નિવારણ માટે કટિબદ્ધ બનીને પુરુષાર્થ ખેડવો જોઈએ.
૨૩૪ પરમનો સ્પર્શ