________________
૨૩૨ પરમનો સ્પર્શ
તો એનું આખું અસ્તિત્વ ભયથી થરથર કંપતું હોય છે. એવો પણ સમય આવશે કે એ સ્મશાનની વાતથી પણ ભય અનુભવવા લાગશે. આવા ભયભીત લોકોનો સમાગમ પોતાનામાં અને અન્યમાં ભયનું વિસ્તૃતીકરણ કરતો હોય છે.
ભયના આ પ્રકારો જોયા પછી વ્યક્તિએ સ્વયં ચિકિત્સા કરવી જોઈએ કે પોતે કયા પ્રકારના ભયથી આતંકિત છે. આનું કારણ એ કે ભય એ વ્યક્તિને કર્તવ્યવિમુખ તો બનાવે છે, પરંતુ એથીયે વિશેષ એને જીવનવિમુખ બનાવે છે. એક વાર ભય ચિત્તમાં પ્રવેશે, પછી એ જવાનું નામ લેતો નથી. કોઈ એમ વિચારે કે એ ધીરે ધીરે ઓછો થશે કે સમય જતાં ક્ષીણ થશે, પણ એવું સહેજેય બનતું નથી. ભય ક્યારેય જાતે વ્યક્તિની વિદાય લેતો નથી, એ તો “માન ન માન, મેં તેરા મહેમાન'ની માફક એના મનરૂપી ઘરમાં ઘૂસી જઈને રહે છે.
ભય એક એવો શત્રુ છે કે જેનો વ્યક્તિએ સબળ સામનો કરવો પડે છે. એની સાથે ખાંડાનો ખેલ ખેલો તો જ એ પોતાની હાર સ્વીકારે છે. એનું ક્યારેય બાષ્પીભવન થતું નથી અને જેમ જેમ ભયવૃદ્ધિ થાય, એમ એમ વ્યક્તિનું ભવિષ્ય અંધકારમય બને છે.
વ્યક્તિના જીવનવિકાસ પર ભય એવો કુઠારાઘાત કરે છે કે એનું જીવન પ્રગતિના માર્ગે જવાને બદલે પીછેહઠ કરે છે. ભય જીવનની પ્રગતિનો એક એવો શત્રુ છે જે વ્યક્તિનાં જીવનવૃક્ષનાં સઘળાં મૂળિયાં ઉખેડીને બહાર ફેંકી દે છે. ભયભીત વ્યક્તિ કેટકેટલાય વિચારોમાં ડૂબી જશે અને એને પરિણામે એનો પુરુષાર્થ પરવારી જશે. એ ભયને કારણે ખોટે માર્ગે જશે અને પોતાનું પતન વહોરી લેશે. ભયને કારણે એ અસત્ય આચરણ કે પાપાચરણ કરે છે અને એનું જીવન ઘોર ઉદાસીનતાથી ઘેરાઈ જાય છે. આવી ઉદાસીનતા એના જીવનવિકાસને અવરોધે છે.
માણસ સચ્ચાઈથી ભાગતો હોય છે. મૃત્યુના ભયને કારણે જીવનપથ પર દોડતા, હાંફતા, ધ્રુજતા, આજીજી કરતા માનવીઓને તમે જોયા હશે. એ અન્યના મૃત્યુ વિશે વિચારી શકે છે, એની સ્મશાનયાત્રામાં સામેલ થઈ શકે છે, પરંતુ પોતાના મૃત્યુની એ સ્વપ્નમાંય કલ્પના કરી શકતો નથી ! જેમ જેમ એના જીવન પર વૃદ્ધત્વના ઓળા પથરાય છે, તેમ તેમ એના હૃદયમાં ઊંડે ઊંડે પોતાના મૃત્યુની તીવ્ર ભીતિ જાગે છે. આ ભીતિ અતિ દુ:ખદાયી હોય છે. મૃત્યુ અવશ્યભાવી છે એમ તે માને