________________
૨૩૦ પરમનો સ્પર્શ
કોઈને ભય લાગે છે કે બે મહિના પછીના વિદેશ પ્રવાસ સમયે વિમાની મુસાફરી દરમિયાન વિમાન તૂટી પડશે તો શું થશે ? અને પછી આવું થાય તો શું થાય - એ વિચારધારા એના ચિત્તને ઘેરી વળે છે. આવી વ્યક્તિઓની પ્રકૃતિમાં બીક, નિરાશા કે નકારાત્મકતા પલાંઠી વાળીને બેસી ગઈ હોય છે, પરિણામ એ આવે છે કે આવી વ્યક્તિ જ્યારે કોઈ વાત કરે, ત્યારે ભયથી રડતી, ધ્રુજતી કે થરથરતી હોય એ રીતે ઊંચા શ્વાસે વાત કરતી હોય છે.
ભયનો બીજો પ્રકાર એ પૂર્વકૃત કર્મોનો છે. કૌભાંડ કરનાર ધનિકને માથે સતત ભય ઝળુંબતો રહે છે કે એનું અત્યાર સુધી જીવની પેઠે જાળવીને ગુપ્ત રાખેલું કૌભાંડ બહાર આવી જશે તો શું થશે ? કોઈ દુરાચારી દુરાચારને સતત છાવરતો હોય, પણ એના મનમાં સતત એવી | ચિંતા અને ભય સતાવતા હોય છે કે જો પોતાનો દુરાચાર જાહેર થઈ
જશે તો માથે કેટલી મોટી આફત આવી પડશે ! ઇન્કમટેક્સમાં કરેલી ચોરી પકડાઈ જશે, તો કેવી દુર્દશા થશે તેની ફિકર કેટલાયને સતાવતી હોય છે. આમ વ્યક્તિના ચિત્તના એક ખૂણે આવો ભય પલાંઠી લગાવીને બેઠો હોય છે અને એનું ચિત્ત સહેજ નવરું પડે કે તરત જ એનો ભય એને પૂર્વકૃત દુષ્કૃત્યનું સ્મરણ કરાવે છે અને વર્તમાન જીવનની પ્રસન્નતા હરી લે છે. માણસને ખોટું કરવાનો ભય રહ્યો નથી, પરંતુ કરેલું ખોટું કાર્ય પકડાઈ જશે એનો ભય સતત વળગેલો હોય છે. વળી કેટલાકને પૂર્વે કરેલાં કર્મો આ જીવનમાં કેટલાં બધાં કનડી શકે છે તેનો ભય સતાવતો હોય છે.
માનો યા ન માનો, પણ એ હકીકત છે કે દરેક વ્યક્તિના મનમાં કેટલીક ગ્રંથિઓ કે માન્યતાઓ બંધાઈ ગઈ હોય છે અને એ માન્યતાઓથી એનું જીવન ભયગ્રસ્ત રહે છે. કૂતરું રડે અને યમરાજ આવી રહ્યા છે એવો એને ભય લાગે છે. રાત્રે ઘુવડનો અવાજ સાંભળે અને અપશુકનનો ડર લાગે છે. નવા મકાનમાં વસવાટ કરવા જાય અને મુશ્કેલી આવે, તો કોઈ પિતૃ દુભાયાનો ભય સતત સેવે છે. જમાનો ગમે તેટલો આધુનિક હોય, પરંતુ માણસના મનમાં આવી માન્યતાઓ ભય જગાવતી હોય છે. આજે ખગોળવિજ્ઞાન અને અવકાશવિજ્ઞાને પ્રગતિની હરણફાળ ભરી હોવા છતાં ગ્રહ અને ગ્રહણથી ડરનારા માણસોનો તોટો નથી. કેટલાકને તો પદે પદે કળિયુગનો ડર લાગે છે તો કેટલાકને પનોતીની બીક લાગે છે.