________________
૪૦
ક્રોધઃ ભીતરમાં વસતો યમરાજ
વ્યક્તિનો અભાવ કે અશક્તિ જેમ ફરિયાદ રૂપે પ્રગટ થાય છે, એ જ રીતે ગુસ્સા રૂપે પણ પ્રગટ થાય છે. આજના અતિ વ્યસ્ત અને તીવ્ર ઝડપી સમયમાં માણસનું મન અનેક કાર્યોમાં વ્યસ્તતા સાથે વેગથી દોડતું હોય છે. એને એકસાથે કેટલાંય કામો નિપટાવવાનાં હોય છે અને તેથી કાર્યો પૂર્ણ કરવાના અભરખાને લીધે એ વારંવાર અધીર બનીને શાંતિ અને સ્વસ્થતા ગુમાવે છે.
આમેય આ યુગમાં ધૈર્ય અને સહિષ્ણુતાના ગુણો સાવ ક્ષીણ થઈ ગયા છે. શિક્ષક પાસે એટલું બૈર્ય નથી કે એ નબળા વિદ્યાર્થીને યોગ્ય માર્ગદર્શન આપીને હોશિયાર બનાવે, આથી તે આ વિદ્યાર્થીને વારંવાર ઠપકો આપવાનું જ કામ કરશે. કંપનીના સી.ઈ.ઓ. પાસે એટલી નિરાંતભરી શ્રવણશક્તિ નથી કે એ પોતાના કર્મચારીની વાતને બરાબર સાંભળીને સમજી શકે. એને બદલે એ કર્મચારીને ધમકાવવાનો કે ‘ફાયર' કરવાનો(હકાલપટ્ટી) ટૂંકો રસ્તો વધુ પસંદ કરશે.
સંયુક્ત કુટુંબ હોય તો સાસુની વાતને ધૈર્યથી વિચારવાની હવે વહુની આદત રહી નથી અથવા તો પત્નીની વાતને શાંતિથી સાંભળવાનો પતિનો સ્વભાવ રહ્યો નથી. આમ ધૈર્યના અભાવે વર્તમાન સમાજમાં ઘણા નવા પ્રશ્નો સર્જાયા છે. એને કારણે અહીં સંબંધો લાંબા ટકતા નથી, પરંતુ થોડાક સમયમાં જ એમાં તિરાડ પડે છે. આજે સહિષ્ણુતાને સામાજિક વ્યવહારમાંથી જીવનવટો મળ્યો છે. હિંસા ઉત્તેજતી ફિલ્મોનું કારણ હોય કે પછી આજની જીવનશૈલી હોય, પણ સહિષ્ણુતા ઘટવા માંડી છે; એટલું જ નહીં, બલ્ક એની સામે એવો પ્રશ્ન ખડો કરવામાં આવ્યો છે કે આવી સહિષ્ણુતા રાખવી જ શા માટે ? સહિષ્ણુતા તો નિર્બળતા ગણાય ! પુત્ર પાસે પિતાની વાત સાંભળવાની - સમજવાની સહિષ્ણુતા નથી અને ‘બૉસ' પાસે કર્મચારીની વાત જાણવાની સહિષ્ણુતા નથી.
પરમનો સ્પર્શ ૨૨૩