________________
૧૯૨ પરમનો સ્પર્શ
દુઃખ આપણા જીવનને બરાબર ટીપીને સ્વસ્થ અને દઢ કરતું હોય છે. મેંદીનાં લીલાં પાન એમ ને એમ કંઈ હાથને રંગ આપતાં નથી. મેંદીને ખૂબ પીસવામાં આવે, ત્યારે એ મેંદીમાંથી લાલ રંગ નીકળે છે.
કહે છે કે એક વાર એક ખેડૂત પરમાત્મા પર ખૂબ ગુસ્સે થયો. એને થયું કે આ જગતનિયંતા પ્રભુ જગતના નિયમનમાં સદંતર નિષ્ફળ ગયા છે. એને ‘પાસિંગ માર્ક” પણ અપાય તેવું નથી. ક્યારેક એ અતિવૃષ્ટિ કરે છે, જેને પરિણામે ખેતરોનાં ખેતરો પાણીમાં ગરકાવ થઈ જાય છે અને ખેડૂતોની અપાર મહેનત પર પાણી ફરી વળે છે, તો ક્યારેક એ અનાવૃષ્ટિ કરે છે. પાણીનું એક ટીપું ખેતરમાં પડતું નથી અને એ ખેતર ઉજ્જડ બની જાય છે. આ તે કેવું નબળું અને આયોજન વિનાનું મેનેજમેન્ટ!
પરમાત્મા ભલે જગતના નિયંતા કે સર્વજ્ઞ કહેવાતા હોય, પરંતુ | એમનું કૃષિવિષયક જ્ઞાન તદ્દન સામાન્ય અને અધકચરું છે, આથી એક વાર એણે પરમાત્માને ફરિયાદ કરી કે વરસાદની બાબતમાં તમારી અતંત્રતાને કારણે અમારી આકરી મહેનત નિષ્ફળ જાય છે, તેની તમને ખબર છે ખરી?
કહે છે કે પરમાત્મા એ દિવસે મોજમાં હતા એટલે એમણે એ ખેડૂતને કહ્યું, ‘એક વર્ષ તને આપું છું. તું કહેશે એટલું પાણી વરસશે. તું કહેશે એટલી ઠંડી-ગરમી પડશે.'
ખેડૂતે જરૂર હોય તેટલું જ પાણી વાપર્યું. ન વધારે કે ન ઓછું. પછી એના ખેતરમાં ઘઉંનાં ઊંચાં કૂંડાં થયાં, ત્યારે એને થયું કે હવે તે પરમાત્માને બતાવી આપશે કે ખેતી કેમ થાય ? પરંતુ જ્યારે એણે એ કૂંડામાંથી દાણા કાઢવા પ્રયાસ કર્યો, ત્યારે ઘઉંના દાણા મળે નહીં ! એના હૃદય પર વજાઘાત થયો.
એ દોડીને પરમાત્મા પાસે પહોંચી ગયો. પરમાત્માને પૂછયું કે “આવું થયું કેમ ?' પરમાત્માએ કહ્યું કે “આ ઘઉંના પાકે સુસવાટાભર્યા પવનવાળી તોફાની આંધીનો સપાટો સહન કર્યો નથી. મુશળધાર વરસાદમાં મહામહેનતે એ ઊભા રહ્યા નથી, બળબળતા તાપમાં દેહને તાંબાની જેમ તપાવ્યો નથી, મેઘની ગર્જના અને વીજળીના ચમકારાના થડકારા એણે અનુભવ્યા નથી. એ દુ:ખ, મથામણ કે સંઘર્ષ જ આ કૂંડાને દાણા આપે છે. એમણે જીવનધારણ કરીને સંઘર્ષ અનુભવ્યો નથી, માટે એમનો પ્રાણ સંગૃહીત થયો નથી.