________________
૩૬
દુઃખ : અંતર્મુખતાનો રાજમાર્ગ
મજાની વાત તો એ છે કે સુખની શોધ કરનાર કદી સુખ પામતો નથી! સુખની તૃષ્ણા એને સતત દોડાવે છે અને એ સ્વપ્નરૂપ સુખ પ્રાપ્ત નહીં થતાં વ્યક્તિ મનોમન હતાશા, નિરાશા અને ઘેરી વેદના અનુભવે છે. જરા, જીવનકિતાબનાં પૃષ્ઠો ફેરવીએ તો ખ્યાલ આવશે કે બાળપણથી આજ સુધી હંમેશાં સુખ મેળવવાનાં કેવાં કેવાં રંગબેરંગી, ખટમીઠાં સપનાં સેવ્યાં હતાં ! બાળપણમાં રમકડાં અને મિષ્ટાન્નમાં અતિ સુખ હતું, યુવાનીમાં સુંદર સ્ત્રીનું અદમ્ય આકર્ષણ મોહક સુખસર્જક લાગતું હતું, વૃદ્ધાવસ્થામાં સ્વાથ્ય જાળવવાની ખેવના અને વેદનારહિત મૃત્યુ પામવાની અહર્નિશ ઇચ્છા હતી અને જ્યારે જ્યારે સુખની આ ઇચ્છાઓ એ સમયે તૃપ્ત ન થઈ, ત્યારે મન સાવ ભાંગી પડ્યું. જીવવામાં કશો રસ રહ્યો નહીં. ચિત્ત અને ચહેરા પર ઉદાસીનતાનાં વાદળ જામી ગયાં.
જીવનમાં સાચું સુખ મેળવવા માટે સૌથી પહેલું કામ દુઃખને શોધવાનું છે. સુખ કરતાં દુ:ખ અનેકગણું મહત્ત્વનું છે. માણસ જેમ પોતાના મૃત્યુની ઉપેક્ષા કરે છે, એ જ રીતે એ પોતાનાં દુ:ખોની ઉપેક્ષા કરે છે. દુઃખ આવે એટલે એના બોજ હેઠળ દબાઈ જાય છે, પણ એ દુઃખની ઓળખ મેળવવાનો કે એની તાસીર જાણવાનો સહેજે પ્રયાસ કરતો નથી. એ જો દુ:ખના યથાર્થ રૂપને પારખશે, તો એને એના જીવનનું મધ્યવર્તી કેન્દ્ર હાથ લાગશે. દુઃખ એ જીવનવિધાયક પરિબળ છે. સુખથી ક્યારેય કોઈનું જીવન ઘડાયું નથી. સુખ ઉપભોગમાં ખર્ચાઈ જાય છે અથવા તો એના નશામાં તરબોળ માણસ જાતે જ ડૂબી જાય છે.
દુઃખ કે પીડા જ વ્યક્તિના જીવનનું ઘડતર કરે છે. જેમ શિલ્પી સુંદર કલામય આકૃતિ ઘડે છે અને તેને માટે પથ્થર પર સતત ટાંકણાં મારતો રહે છે, એ જ પ્રમાણે દુઃખ આપણા જીવનને સતત ટાંકણાં મારીને એમાંથી સુંદર આકૃતિ સર્જે છે. જેમ ઘડાવવા માટે ટિપાવવું પડે, એમ
પરમનો સ્પર્શ ૧૯૧