________________
૧૮૮ પરમનો સ્પર્શ
જીવન વિશે કે ભવિષ્ય અંગે વિચારવાનો સમય હોતો નથી. બાહ્ય દૃષ્ટિએ ચેતનવંતું લાગતું એનું જીવન એક સ્થળે સ્થગિત થઈ ગયું હોય છે. બાહ્ય દષ્ટિએ એને અપાર શક્તિનો અનુભવ થાય, વિશાળ વૈભવની ઝાકઝમાળ દેખાય, પારાવાર ઉત્સાહ અનુભવાય અને પોતાનું જીવન ચેતનથી થનગનતું લાગે, પરંતુ હકીકતે એ જીવન સ્થિર સ્થગિત અને એકધારું હોય છે.
આપણા પોતાના જીવનની કિતાબ ખોલીએ તો પહેલાં ખ્યાલ આવશે કે જીવનમાં આટલાં જ્ઞાન, શક્તિ અને વૈભવ પામ્યાં છીએ, પણ એ પછી આગળ વધીને જરા ઊંડાણથી વિચારતાં લાગશે કે જે કંઈ પામ્યા, એનાથી કોઈ સંતોષ પ્રાપ્ત થયો નથી. એક સમયે જે મેળવવું અતિ મહત્ત્વનું લાગતું હતું તેને માટે આવી આંધળી દોડ શા માટે લગાવી એવો પ્રશ્નાર્થ ચિત્તમાં જાગે છે.
જગતવિજેતા સિકંદરના જીવનનો વિચાર કરીએ તો ખ્યાલ આવે છે કે એણે અનેક દેશો પર વિજય હાંસલ કરીને અપાર સમૃદ્ધિ મેળવી હતી
અને છતાં એણે કહ્યું કે મારી સ્મશાનયાત્રામાં નનામીમાંથી મારા બે હાથ બહાર ખુલ્લા રાખજો, જેથી જગતને ખ્યાલ આવે કે આ સિકંદર ખાલી હાથે આવ્યો હતો અને ખાલી હાથે વિદાય લઈ રહ્યો છે. જે કંઈ મેળવ્યું તેનો કશો મતલબ નથી. જગતમાં વિજેતાઓ અને અત્યાચારીઓએ ભૌતિક સુખસંપત્તિ મેળવવાની ધૂનમાં ઘણા અનાચાર કર્યા છે, પરંતુ એ અનાચારનો અંત કેવો આવ્યો ? આપણા જાણીતા કવિ શ્રી ત્રિભુવન વ્યાસે એક કાવ્યમાં લખ્યું છે,
‘દશવદન, દુર્યોધન ગયા ને કંસનો છે અંશ ક્યાં ?
ને ક્યાં ગયો એ જુલ્મી કૅઝર, હિટલરનો વંશ ક્યાં ?”
આપણે કેટલું દોડીએ છીએ તે મહત્ત્વનું નથી, પરંતુ કઈ દિશામાં દોડીએ છીએ તે મહત્ત્વનું છે. આપણે કામોમાં કેટલા વ્યસ્ત રહીએ છીએ તે નહીં, પરંતુ જીવન સાર્થક કરનારી બાબતમાં કેટલા ડૂબેલા છીએ તે મહત્ત્વનું છે. અતિ પ્રવૃત્તિશીલ વ્યક્તિ પણ પોતાનું જીવન વ્યર્થતાથી ગાળતી હોય એમ બને છે. ઘણી વાર તો એ એના હૃદયનો ખાલીપો આવી પ્રવૃત્તિથી ભરી દેવાનો એનો પ્રયત્ન હોય છે.
આપણા જીવનની દિશાનું નિર્ધારણ આપણે કરીએ છીએ ખરા ? મોટા ભાગની વ્યક્તિઓ બીજાની દૃષ્ટિએ સ્વજીવનની દિશા નક્કી કરતી હોય છે. એ અન્યને સારું કેમ લાગે તે રીતે જીવતી હોય છે. ઘણી વાર