________________
૩૩
અજ્ઞાત પ્રતિ એક ઊંચી છલાંગ !
સ્વપ્નાં રાખવાં એ આસાન છે, કિંતુ સ્વપ્નસિદ્ધિનો પંથ ઘણો કઠિન હોય છે. સ્વપ્નસિદ્ધિ પહેલે પગલે માગે છે માનસપરિવર્તન. ભૌતિક સિદ્ધિ કે કોઈ આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે સૌપ્રથમ તો મનને બરાબર કસવું પડે છે. ભૌતિક જીવનમાં તમે બાહ્ય પ્રાપ્તિનું કોઈ સ્વપ્ન રાખો, ત્યારે તમારી સામે કેટલાય અવરોધો ઊભા થઈ જાય છે. એક બાજુ તમે તમારું સ્વપ્નસિદ્ધિ કરવા માટે સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર થયા હો અને બીજી બાજુ જીવનનાં તમામ આકર્ષણો તમને સાદ પાડીને બોલાવતાં હોય. તત્કાલીન પરિસ્થિતિઓ પડકારરૂપ બનીને ઊભી રહેતી અનુભવાય.
પહેલાં તો અંદરથી એવો એક અવાજ આવશે કે આવું કોઈ સ્વપ્ન સિદ્ધ કરવા માટે જીવન કુરબાન કરવાને બદલે મોજમજાથી જીવન પસાર | કર ને ! આ બધી માથાકૂટ શી ? ખાવું, પીવું અને જલસા કરવા એને | જ તો જીવનનો મર્મ, ધર્મ કે અંતિમ ધ્યેય માની લેવાનું ! આવા આનંદપ્રમોદનો ત્યાગ કરીને શા માટે તું સ્વપ્નસિદ્ધિના કે પરમનો સ્પર્શ પામવાના માર્ગે જાય છે ? ત્યાં પસ્તાવાનો પાર નહિ રહે ! વળી સ્વપ્નસિદ્ધિ માટે કેટલીય કુરબાનીઓ આપવી પડશે અને એને અંતે શું? અંતે તને કશું હાથ લાગશે નહિ, આથી આ બધી નકામી ઝંઝટ છોડી દે, જીવનમાં મોજ કર. આવી વ્યક્તિઓ ક્ષય(ટી.બી.) રોગના જંતુ જેવી હોય છે, જે પોતાના પ્રમાદયુક્ત દુર્વિચારનો બીજાને તત્ક્ષણ ચેપ લગાડે છે.
સ્વપ્નસિદ્ધિ માટે સૌથી મહત્ત્વની ચીજ તે મનનો એ દિશાનો અભિગમ છે. મનની દિશા કે એનું લક્ષ્ય જો સ્વપ્નસિદ્ધિ ભણી વળેલું નહિ હોય, તો મન અન્ય આકર્ષણો અને કામનાના અવરોધોમાં એવું તો ગૂંથાઈ કે ગૂંચવાઈ જશે કે એમાંથી બહાર નીકળી શકશે નહિ. જ્યારે વ્યક્તિ આધ્યાત્મિક સ્વપ્ન સેવે છે, ત્યારે એના હૃદયમાં એક પ્રકારની તડપન હોય છે.
શ્રીકૃષ્ણ માટેની ખાસ હોય તો જ મીરાં થવાય, રામ પ્રત્યે દઢભક્તિ
પરમનો સ્પર્શ ૧૭૩