________________
૧૭૦ પરમનો સ્પર્શ
તેઓ ખાલી હાથે પાછા ફર્યા છે. આનું કારણ એ કે ભૌતિક જીવન દરમિયાન સંપત્તિની લોલુપતા સંન્યાસી બન્યા પછી પણ હૃદયમાં આસન જમાવીને બેઠેલી હોય છે અને જેવી તક મળે કે સંજોગ ઊભા થાય કે તે પ્રગટ થતી હોય છે. ભૌતિક જીવનમાં રહેલી ધનની તૃષ્ણાનું નિવારણ કરવામાં આવ્યું ન હોય, તો ભગવાં કપડાં પહેર્યા પછી પણ સાધુ વેપારીની જેમ દ્રવ્યોપાર્જન કરવા લાગશે. વધુ ને વધુ સંપત્તિની પ્રાપ્તિ માટે મંત્ર, તંત્ર, બાધા, આખડી, જ્યોતિષ દ્વારા પોતાની દુકાન ચલાવશે. આ રીતે જો ભૌતિકતાનું આકર્ષણ હૃદયમાંથી અળગું થયું ન હોય, તો તે કોઈ પણ આધ્યાત્મિક ક્ષણે એના જીવનમાં ડોકિયું કરે છે અને એની સઘળી આધ્યાત્મિકતાને ધૂળધાણી કરી નાખે છે.
હૃદયમાંથી શું ખાલી કરવાનું છે ? સૌથી પહેલી બાબત તો જાણપણાનો ઘમંડ દૂર કરવાની છે. સામાન્ય વ્યક્તિથી માંડીને સમર્થ વિદ્વાનો પણ એમ માનતા હોય છે કે, “બધું જાણું છું.” જોકે આના જેવું અજ્ઞાન બીજું એકે નથી. વ્યક્તિનું જાણપણું જ એનું મારક બને છે, કારણ કે એક વાર જ્ઞાનનો ઘમંડ એના ચિત્તમાં આવ્યો એટલે એનું ચિત્ત બંધિયાર બની જશે, નવું જ્ઞાન મેળવવાની એની પિપાસા વિદાય પામશે અને નવો પ્રકાશ પામવાનો તો એને સ્વપ્નેય વિચાર નહીં આવે. જ્ઞાનનો અહંકાર એનાં વાણી અને વ્યવહારમાં પણ પ્રગટ થવા લાગશે, આથી જેણે અધ્યાત્મના માર્ગે ચાલવું છે, એણે જ્ઞાનના ઘમંડને ખાલી કરવો પડે છે. ઘમંડ એ જ્ઞાનના દરવાજે લગાવેલું તાળું છે. જ્ઞાનના દરવાજા પર એ તાળું લગાડવામાં આવે એટલે કોઈ નવો પ્રકાશ, નવી ભાવના, નવો વિચાર, નવો દૃષ્ટિકોણ કે નવું દર્શન એનામાં આવતું નથી.
બીજું ‘ખાલી’ થવાનું છે પરંપરાગત રૂઢ સંસ્કારોથી. મનમાં પરંપરાથી કે વહેમથી કેટલાક સંસ્કારો જડ ઘાલી બેઠા હોય છે. માણસ ધીરે ધીરે એ માન્યતા પ્રમાણે ચાલવા લાગે છે અને ક્યારેક તો એ માન્યતા જ એના જીવનનું નિર્ણાયક બળ બને છે. ભારતમાં બિલાડી આડી ઊતરે એ અપશુકન ગણાય છે, તો વિદેશમાં પણ તેનો આંકડો અપશુકનિયાળ ગણાય છે. આવા વહેમો સમાજને દૂષિત કરે છે. એને જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાયનાં બંધનોમાં બાંધી દે છે. જન્મ, લગ્ન અને મૃત્યુ પ્રસંગનાં કેટલાય સંસ્કારો અથવા તો વિધિવિધાનો પાછળ કોઈ તર્ક કે વિચાર હોતો નથી. જે પરમનો સ્પર્શ પામવા માટે આપણે મુક્ત ચિત્ત લઈને જવાનું