________________
૩૦
ધ્યેયવિમુખ એટલે જીવનવિમુખ
૧૫૪ પરમનો સ્પર્શ
આધુનિક યુગનો એક મહાશાપ છે અને તે અતિ વ્યસ્ત, અત્યંત ‘બિઝી’ હોવાનો ખ્યાલ. ઘરના નોકરને પૂછશો તો એ કહેશે કે કામ એટલું બધું રહે છે કે એમાંથી એક મિનિટે નવરા જ પડાતું નથી. કોઈ ગૃહિણીને પૂછશો તો એ કહેશે કે અમારું જીવન એટલે આકરું વૈતરું. કોઈ વિદ્યાર્થીને પૂછશો તો એ કહેશે કે ભણવામાંથી માથું ઊંચું થાય, તો રમવા જવાનો વિચાર કરું ને ! કંપનીના સેક્ટરીને પૂછશો તો એ કહેશે કે આજકાલ તો એટલું બધું કામ રહે છે કે મરવાની ફુરસદ નથી. અરે ! આજના જમાનામાં કોઈ સંતને પૂછશો તો એ પણ કહેશે કે તેઓ એટલા બધા ‘બિઝી’ છે કે તમને ‘ઇઝીલી’ મળી શકશે નહીં. રાજનેતાની સાચી-ખોટી વ્યસ્તતાની તો વાત જ ન પૂછશો !
આ જગતમાં ચોતરફ ‘બિઝી’ હોવાનો રોગચાળો ફેલાયો છે અને આ રોગના કીટાણુઓ એવા છે કે એક વાર તમને એ લાગુ પડે, પછી એમાંથી તમે મુક્ત થઈ શકતા નથી. અત્યંત વ્યસ્ત જીવન જીવનારી વ્યક્તિને તમે એમ કહો કે ચાર દિવસ તારે કશું કરવાનું નથી, તો શું થશે? પહેલો દિવસ તો એનો અતિ ઉત્સાહભર્યો જશે અને ‘નિરાંત' હોવાનો આનંદ માણશે. બીજે દિવસે ફરી કામ યાદ આવવા લાગશે. થોડા સમયમાં ‘નિરાંતથી અકળાઈ જશે. તમે એને દરિયાકિનારે લઈ જાવ કે કોઈ ફાઇવસ્ટાર હોટલમાં રાખો, પરંતુ એને કામ વિના ચેન નહીં પડે. એની જીવનશૈલી એટલી બધી વ્યસ્ત બની ગઈ હોય છે કે એને આ વ્યસ્તતામાંથી થોડો સમય બહાર રહેવું જરૂર ગમે, પરંતુ એ લાંબો વખત બહાર રહી શકતો નથી. આવી વ્યક્તિને તમે એમ કહો કે જરા થોડો સમય પલાંઠી વાળીને બેસી રહો, વિશ્વની પ્રશિષ્ટ સાહિત્યકૃતિઓનું વાંચન કરો, દરિયાકિનારે નિરાંતે વૅકેશન ગાળો. એ બે-ત્રણ દિવસ આમ કરશે, પણ પછી આ ‘રિલેક્સેશનથી પણ કંટાળશે !