________________
આમ સ્વપ્ન કે ધ્યેય દૃષ્ટિ સમક્ષ હોય એટલું પૂરતું નથી. આવાં કેટલાંય સ્વપ્નો તો આવી આવીને આથમી જતાં હોય છે. જીવનમાં માત્ર ભસ્મ થઈ ગયેલાં સ્વપ્નોની રાખ જ જોવા મળે છે.
સ્વપ્ન કે ધ્યેયની પ્રાપ્તિ થયા પછી એને પામવાનો પુરુષાર્થ એ સૌથી મહત્ત્વની બાબત છે. જીવનમાં સ્વપ્ન મળે એટલે માર્ગ મળે, પણ એ માર્ગે ચાલવાનો મહાપુરુષાર્થ વ્યક્તિએ કરવાનો હોય છે. આને માટે એણે એના સમગ્ર જીવનને લક્ષમાં લેવું પડે છે. સ્વજીવનની ઘટનાઓને પોતાના સ્વપ્નની આંખે નિહાળવી પડે છે અને પરિણામે એનું જીવન એ કોઈ રોજેરોજ બનતી જુદી જુદી, ભિન્ન, ચિત્રવિચિત્ર, આડેધડ ઘટનાઓનો સમૂહ નહીં, પરંતુ એના સ્વપ્નને અનુલક્ષીને ચાલતા બનાવોના મણકાની માળા બની રહે છે.
કોઈ મોજથી ભ્રમણ કરવા નીકળ્યું હોય અને કોઈ ગહન પ્રભુશ્રદ્ધાથી યાત્રા કરવા નીકળ્યું હોય, ત્યારે બંને કેવા ભિન્ન લાગે છે ! ભ્રમણશીલ વ્યક્તિ ક્યાંક વધુ મોજ પડતાં રોકાઈ જાય છે, ક્યાંક નજીકના જોવાલાયક સ્થળની માહિતી મળતાં એ તરફ ફંટાઈ જાય છે, જ્યારે પૂર્ણ શ્રદ્ધાથી યાત્રા કરનારની પ્રત્યેક ક્રિયા અને એનો પ્રત્યેક પ્રવાસ ધર્મ-આરાધનાની આંખે થતો હોય છે. એ કોઈ થિયેટરમાં જઈને ફિલ્મ જોવા બેસી જશે નહીં, કારણ કે એનો રસ સત્સંગમાં છે, જોકે આવી ધ્યેયસિદ્ધિમાં ક્યારેક એને પ્રતિકૂળતાઓ પણ આવશે, ક્યારેક આડામાર્ગે ફંટાઈ જવાનું બનશે, તેમ છતાં એ તત્કાળ જાગ્રત બનીને પોતાના મુખ્ય માર્ગ પર આવી જશે. પોતાના ધ્યેયની પ્રાપ્તિ કરવા માટે વચ્ચે આવેલી સમસ્યાઓનો મૂળમાં | જઈને એનો ઉકેલ સાધશે અને જીવનમાં પુનઃ આવી સમસ્યાઓ આવે નહીં, તેવી સતર્કતા દાખવશે. ક્યાંક જરૂર પડશે મૂળમાર્ગે આવવા માટે એ કેટલોક ત્યાગ કરશે. કેટલાક નિશ્ચયો કરશે, પરંતુ એ પોતાના ધ્યેયમાર્ગે આવ્યા વિના રહેશે નહીં. જીવનમાં સારી કે નરસી પરિસ્થિતિ હોય, અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગો હોય, તેમ છતાં એ એના ધ્યેયમાંથી વિચલિત નહીં થાય.
આદિકવિ નરસિંહ, કૃષ્ણવિરહિણી મીરાં કે મહાયોગી આનંદઘન જેવા સંતોએ પ્રભુભક્તિનું સ્વપ્ન જોયું અને પૂર્ણ ઉત્સાહથી એને સિદ્ધ કરવાના પ્રયત્નો કર્યા. સ્વપ્નને સિદ્ધ કરવા માટે સતત અન્ય સઘળું ત્યજીને મથ્યાં રહેવું પડે. માત્ર સંતો, રાજપુરુષો કે કર્મયોગીના જીવનમાં જ નહીં, બલ્ક
પરમનો સ્પર્શ ૧૫૧