________________
કારણ કે હવે સમજાયું છે કે ભીતર આડેધડ પડેલી ચીજવસ્તુઓનું ગોદામ નથી. હવે તો ભીતરમાં એક પ્રકાશ છે. હવે આંખોમાં એક સ્વપ્ન છે. અને એ સ્વપ્ન સિદ્ધ થાય એવી જ બાબતોને હવે ભીતરમાં પ્રવેશ મળે છે. આડંબરની કેટલીય ઇચ્છાઓ આથમી ગઈ હશે. પહેલાં જે તૃષ્ણાઓ સતત તરફડાવતી હતી, હવે એ તૃષ્ણા મૃગજળ સમાન મિથ્થા સાબિત થવાથી એનો મહિમા કે આકર્ષણ બધું આથમી ગયું હશે. પહેલાં તો નિંદા, ક્લેશ, વિકથા, તેજોદ્વેષ આ બધાને કારણે બહારથી જે કચરો ભેગો કર્યો હતો, તે ભીતરમાં થોકબંધ ઠાલવતો હતો અને આવો વધુ ને વધુ કચરો પામવા માટે આતુર રહેતા હતા. હવે નવું સ્વપ્ન મળતાં એ કચરાનો સર્વનાશ થયો છે અને એ સ્વપ્નને સિદ્ધ કરવા માટેનો પુરુષાર્થ જાગ્યો
૧૪૬ પરમનો સ્પર્શ
આમ જીવન એ તો સપનાંનો ખેલ છે ! વ્યક્તિના આયુષ્યની ઓળખ પંચાંગ પરથી નહીં, કિંતુ પુરુષાર્થથી થાય છે. એમાં વિતાવેલાં વર્ષોનો મહિમા નથી, પણ કેટલાં વર્ષો સારી રીતે વિતાવ્યાં, એનો અપાર મહિમા
કહે છે કે માનવેતર પ્રાણીઓને સ્વપ્નમાં આવતાં નથી. જે માણસે સ્વપ્નાં સેવ્યાં નથી, એનું જીવન પણ પેલાં પ્રાણીઓનાં જીવન સમાન ગણાય. એ પ્રાણીઓ ભ્રમણ કરે, મૈથુન કરે, ભોજન કરે અને જો માત્ર આટલી જ પ્રવૃત્તિમાં માનવીનું જીવન નિમગ્ન હોય, તો તેનું જીવન પણ પ્રાણીજીવન જ છે. માનવ-વ્યક્તિ પાસે તો સ્વપ્નાં સર્જવાની, સેવવાની અને સિદ્ધ કરવાની અખૂટ તાકાત અને પ્રબળ આંતરિક શક્તિ છે.
વ્યક્તિ જ્યારે સ્વપ્નસિદ્ધિના માર્ગે ચાલશે, ત્યારે એનું જીવન આપોઆપ એના જીવનસ્વપ્ન પ્રમાણે ગોઠવાઈ જશે. એની દૃષ્ટિ સ્વપ્નસિદ્ધિ પર એકાગ્ર બનીને એવી તો નોંધાયેલી રહેશે કે એના જીવનવૃક્ષ પરથી અન્ય સઘળી બાબતો બગડેલાં ફળ કે સૂકાં પર્ણની જેમ ખરી પડશે. સ્વપ્નના સર્જન સિવાયની બાબતો એને તુચ્છ, વ્યર્થ, ત્યાજ્ય કે બિનઆવશ્યક લાગશે. અન્ય બાબતોથી એ એવો તો વિમુખ બની જશે કે એમાં એને કશો રસ નહીં રહે. બીજી વ્યક્તિઓ ‘મહાત્મા’નું પદ પામવા માટે મહાપ્રયત્નો કરતી હોય છે, ત્યારે સમગ્ર વિશ્વે જેમને ‘મહાત્મા’નું પદ આપ્યું હતું તે ગાંધીજીએ એ વિશે શું કહ્યું ?