________________
કોઈ ઘોંઘાટ ભરેલું સંગીત હોય, કોઈ ડિસ્કોનું ગીત હોય કે પછી કોઈ વ્યક્તિની નિંદા-કૂથલી હોય, એ એના કાનને ખૂબ ગમતાં હતાં. હવે ? હવે એવી પરિસ્થિતિ છે કે ઘોંઘાટિયું સંગીત સાંભળીને એનાથી દૂર જવાનું મન થાય, કોઈની નિંદા સાંભળીને એનાથી અળગા રહેવાનું મન થાય અર્થાત્ કાનની ઇંદ્રિય તો છે જ, પરંતુ એ ઇંદ્રિયનું વલણ અને કાર્ય બદલાઈ ગયું છે.
આજ સુધી એ સુંદર સ્ત્રીનાં અંગોપાંગનો, સ્વાદિષ્ટ વાનગીનો, કોઈની ટીકાનો, મોહક દૃશ્યોનો અને સુંવાળા સ્પર્શનો આશક હતો. હવે એ બધાને બદલે એ એના આત્માનો આશક બને છે. એ પોતાના ભીતરના સૂરને સાંભળવા પ્રયત્ન કરે છે, એ પોતાના સ્વ-રૂપને જોવા માટે થનગને છે, એને હવે બહારના સ્વાદ કે સુગંધમાં રસ રહેતો નથી અને એ કોઈ વ્યક્તિને સુંવાળો સ્પર્શ કરવાને બદલે ઈશ્વરની મૂર્તિને મુલાયમ સ્પર્શ કરે છે. આ રીતે ઇંદ્રિયના વિષયોને તે અતિક્ષ્મી જાય છે અને આત્મા સુધી પહોંચીને એના આનંદમાં રમમાણ રહે છે.
આજ સુધી બાહ્ય અપેક્ષાઓથી જીવતો હતો, બહારના સુખથી એને અપાર આનંદ મળતો હતો, અશુદ્ધ ભાવો કે અશુદ્ધ વિચારોને સેવતો હતો. હવે એના જીવનમાં એવી ક્રાંતિ આવી છે કે જેને પરિણામે એ સતત આત્મશુદ્ધિ પ્રત્યે જાગૃત બનીને ધ્યાનલીન રહેવાની કોશિશ કરે છે. ઇંદ્રિયોરૂપી પાંચ તોફાની અશ્વો અને એક મનસ્વી સારથિ પર અંકુશ મેળવે છે.
પરમનો સ્પર્શ ૧૪૧