________________
૧૪૦ પરમનો સ્પર્શ
ગુલામી ત્યજીને એનો માલિક બનીને હશે. ચંચળ, આમતેમ ભટકતું એનું ચિત્ત હવે શાંત સમાધિમાં ડૂબેલું હશે.
જેમ જેમ એ ઇંદ્રિયોની આસક્તિમાંથી દૂર થતો જશે અને આત્મા પ્રત્યે લીન થતો જશે, તેમ તેમ એના જીવનનું સંગીત બદલાતું જશે. એક સમયે એના મનને કામોત્તેજક દૃશ્યો આકર્ષતાં હતાં અને એ એની પાછળ દોટ લગાવતો હતો, હવે એવાં દૃશ્યોને એ જાણે નગણ્ય હોય એમ સામાન્ય નજરે જોતો હશે. જે વાનગી જોઈને એનું આખું અસ્તિત્વ ઝૂમી ઊઠતું હતું અને જેને આરોગવા માટે એ અતિ ઉત્સુક બની જતો હતો, એ જ વાનગી સામે પડી હશે અને એનું રૂંવાડું પણ ફરકતું નહીં હોય. પહેલાં જે ગતિ ઇંદ્રિયો તરફ હતી, એ ગતિ હવે સાવ વળાંક લઈને આત્મા પ્રત્યે થાય છે. એક સમયે કાનને ઘોંઘાટનું સંગીત પસંદ | હતું, હવે એ કાન સિતાર, વીણા કે વાયોલિનના શાંત સૂરોની ઝંખના કરે છે.
પહેલાં એ સતત બોલતો રહેતો હતો, વાણીવિલાસ કરતો હતો, મોબાઇલ પર કલાકોના કલાકો સુધી લાંબી વાતો કરતો હતો; હવે એને વાણીના બદલે મૌન વિશેષ ગમે છે. બહુ બોલવાને બદલે અતિ અલ્પ વચનો બોલે છે. પહેલાં બોલતાં પૂર્વે એ વિચાર કરતો નહોતો કે હું જે બોલું છું તે યોગ્ય, વિવેકપુર:સરનું અને આવશ્યક છે ખરું ? હવે, એ બોલે છે ત્યારે પહેલાં વિચારે છે કે મૌન તોડીને આટલું બોલવું જરૂરી છે ખરું કે પછી મૌનમાં રહેવું જ આવશ્યક છે.
એ અનુભવશે કે એક સમયે જ્યાં ઇંદ્રિય-વાસનાનો મહાસાગર ઘૂઘવતો હતો તેવા હૃદયમાં ઊંચે ઊછળતાં મોજાંઓ આત્માની ઓળખને પરિણામે શાંત થઈ ગયાં છે. એક સમયે વાસનાના વિચારોને કોઈ નિયંત્રણ નહોતું, હવે ધીરે ધીરે એ બધા આથમી ગયા છે અને હૃદય એ કામનાના ઘૂઘવતા સાગરને બદલે સાક્ષીભાવનું શાંત સરોવર બની ગયું છે. એમાં ક્યારેક, ક્યાંક, થોડીક વાર કોઈ વમળ જાગે છે, પણ એ જાગે છે તેવાં જ જળમાં વિલીન થઈ જાય છે. વાસનાના તોફાની સાગરને બદલે શુદ્ધ પ્રેમનું શાંત સરોવર જોવા મળે છે. એને ખ્યાલ આવે છે કે હવે અગાઉ બહારની આકર્ષક લાગતી દુનિયાનું આકર્ષણ આથમી રહ્યું છે. એની ગતિ જ બદલાઈ રહી છે. એ બહારને બદલે હવે પોતાના ભીતર તરફ ગતિ કરે છે.
પહેલાં બહારના કોલાહલ સાંભળવામાં એને ખૂબ આનંદ પડતો હતો.