________________
૨૮
આંખમાં આંજેલું એક સ્વપ્ન
૧૪૨ પરમનો સ્પર્શ
તમારી આંખમાં કોઈ સ્વપ્ન રમે છે ખરું ? માનવીના વ્યક્તિત્વનો યથાર્થ પરિચય એની આંખમાં રમતાં સ્વપ્નથી પામી શકાય. આ સ્વપ્ન એની ભૂત, વર્તમાન અને ભવિષ્ય - એમ ત્રણે કાળની જિંદગીની પહેચાન આપે છે.
બહુધા વ્યક્તિઓ નાનાં નાનાં સ્વપ્નો જોતી હોય છે. સામાન્ય નજર પ્રત્યક્ષ દેખાતી ભૌતિક ઇચ્છાઓ રાખતી હોય છે. એની વૃત્તિમાં ચંચળ અને તુચ્છ ઝંખનાઓ રમતી હોય છે અને એનું જીવન રગશિયા ગાડા જેવું, બંધિયાર, પ્રમાદી અને સ્થગિત જેવું હોય છે. સવારે ઊઠવું, કારકુની કે એવી કોઈ કામગીરી કરવી અને સૂઈ જવું - એવું જીવન જેટલું ચીલાચાલુ હોય છે, એટલું જ કંટાળાજનક હોય છે. સરકારી ઑફિસોમાં ટેબલ પર બેઠેલા કોઈ કર્મચારીને તમે હસતો જોયો છે ખરો? એનામાં કોઈ ઉત્સાહ દીઠો છે ? એની આંખોમાં કોઈ નવી ઝંખના જોઈ છે ? કોઈ વિચારોત્તેજક વાત તમે એની પાસેથી પામ્યા છો ? આનું કારણ એ છે કે એ વ્યક્તિની આંખમાંથી સઘળાં સ્વપ્નાં આથમી ગયાં છે. જીવન છે માટે, જીવ્યે જવું, પરિસ્થિતિ હોય તે મુજબ ગોઠવાઈને રહેવું, જે કંઈ હોય તે ભોગવવું, જે કંઈ નથી તેને માટે બૉસને, દુનિયાને કે નસીબને દોષ આપવો. આવું એકધારું, ચીલાચાલુ સ્વપ્નવિહોણું જીવન ધીરે ધીરે વ્યર્થતાના કળણમાં ખૂંપી જાય છે.
તમારી ચોપાસના પરિચિતોને ક્યારેક પૂછજો કે એમની આંખોમાં કયું સ્વપ્ન રમે છે ? ત્યારે મોટા ભાગના એમ કહેશે કે રાત્રે ઊંઘમાં દેખાતા સ્વપ્નથી અમે પૂરેપૂરા વાકેફ છીએ, પરંતુ દિવસે આંખોમાં તે વળી ક્યાંથી સ્વપ્ન રમતાં હોય ? સ્વપ્ન એ ઉજાસની ચીજ જ ક્યાં છે, કિંતુ હકીકત એ છે કે જીવનનું સાચું સ્વપ્ન પ્રકાશમાં દેખાય છે.