________________
૬ પરમનો સ્પર્શ
જીવનપ્રસંગો આ જ સૂચવે છે. આ ભક્તોના જીવનમાં માત્ર સરળતા અને આત્માની પવિત્રતા હોય છે અને સૌથી મહત્ત્વનું એવું આત્મસમર્પણ - સર્વસમર્પણ હોય છે.
આપણે પરમને સમર્પિત થવાને બદલે પરમ આપણને સમર્પિત થાય તેવો પ્રયાસ કરતા હોઈએ છીએ. પરમને સ્પર્શવાને બદલે આપણે એના સ્પર્શની રાહ જોઈએ છીએ. આપણે પોતે યોજના ઘડતા હોઈએ છીએ અને પછી એ યોજનાને અનુરૂપ કાર્ય કરતા હોઈએ છીએ, પરંતુ આવી કોઈ યોજના કે આયોજન કરતાં પૂર્વે ઈશ્વરનું - પરમનું - સ્મરણ કર્યું હોય છે ખરું? એને સાક્ષી રાખીને એ આયોજનનો પ્રારંભ કર્યો હોય છે ખરો ?
આવા ઈશ્વરને ઋગ્વદના સૂક્ત(૧૦-૧૨૯-૭)માં ‘સૃષ્ટિસર્જનનો જ્ઞાતા એવા પરમ વ્યોમમાં રહેતા અધ્યક્ષ” તરીકે ઓળખાવ્યો છે. એ અધ્યક્ષને ૬ કાર્યના પ્રારંભે સ્મરવામાં આવે છે ખરો ? કાર્યોનાં આયોજન પૂર્વે
ઈશ્વરસ્મરણ કરીએ, ભોજનપૂર્વે, શયનપૂર્વે અને એ રીતે જીવનના પ્રત્યેક તબક્કે હંમેશાં એનું સ્મરણ કરીએ, તો એ જ આપણે માટે યોજના કરવા લાગશે. એનું પરિણામ શું આવશે? એનું પરિણામ એ આવશે કે આપણું કાર્ય ઈશ્વરનિર્દિષ્ટ હોવાથી ચિંતા, બોજ કે “સ્ટ્રેસ' વિના કરી શકીશું. ચિત્તમાં એની સિદ્ધિ કે અસિદ્ધિના સંશયો ચકરાવા લેશે નહીં, નિષ્ફળતાનો ડર સતાવશે નહીં અને એ કાર્યમાં આપણી ગતિ-પ્રગતિ બોજરૂપ બનવાને બદલે આનંદરૂપ બની જશે.
પરમનો સ્પર્શ શક્ય છે ? ઈશ્વર સાથે આપણી ગોષ્ઠિ શક્ય છે? ગોષ્ઠિમાં પરસ્પર વચ્ચે સંવાદ હોય. આપણે ઈશ્વર સાથે ક્યારેય સંવાદ સાધીએ છીએ ખરા ? આપણે તો સદેવ આપણા મનની સઘળી વાતવાંધા, પ્રશ્નો કે ફરિયાદો એની આગળ ઠાલવતા રહીએ છીએ. ‘આ નથી”, “આ તું મને આપ’, ‘આટલું તો તારે મને આપવું જ જોઈએ’, ‘જો તું ઈશ્વર હોય તો ઓછામાં ઓછું આટલું તો તારે મારા માટે કરવું જોઈએ’ આમ ઈશ્વર પાસે સતત એક પછી એક આપણી માગણીઓ મૂક્તા રહીએ છીએ. આપણે આવી માગણીઓ મૂકવા જેટલો અધિકાર મેળવવા કશો યત્ન કર્યો હોતો નથી, આપણે તો એમ માનીએ છીએ કે ઈશ્વર પાસે માગવું એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે અને જે માગીએ તે તત્કાળ આપણી આગળ હાજર કરી દેવું એ એની ફરજ છે !