________________
૨૭
ભવોભવની ભૂલ સુધારીએ !
૧૩૮ પરમનો સ્પર્શ
તમે કલ્પના કરો કે પાંચ તોફાની, ઉદ્ધત, ખૂંખાર અને અત્યંત વેગથી દોડતા અશ્વોવાળો રથ હોય અને એ રથનો મન-મસ્ત સારથિ આંખો મીંચીને રથ દોડાવતો હોય તો કેવું થાય ? બસ, આવી છે આપણી પાંચ ઇંદ્રિયો અને તેના પર સવાર આપણું મન. એ ઇંદ્રિયો માનવીમાં પ્રબળ વિકાર જગાવે છે અને એનું મન એને આંધળોભીંત બનાવીને આમ તેમ દિશાહીન દોડાવ્યે જાય છે.
જેઓ ઇંદ્રિયો દોડાવે તેમ દોડતા હોય છે અને સદા એની શરણાગતિ સેવતા હોય છે, એવા લોકો સતત દુ:ખી, વ્યથિત અને સંતપ્ત રહે છે . વાસના પર જેનો વિજય ન હોય એના મનને જરા બહાર કાઢીને જોશો, તો ખ્યાલ આવશે કે એ મનમાં વાસનાની પ્રાપ્તિ અને તૃપ્તિ માટે કેવી દોડધામ મચી છે ! સ્વાદલોલુપ માનવીની નજર સદૈવ વાનગીઓ પર ચકળવકળ ઘૂમતી હોય છે અને મીઠાઈની દુકાન જોતાં એનું મન કેટલું બધું વિક્ષુબ્ધ બની જાય છે !
ઇંદ્રિયોનું શરણ એ દુઃખનો રસ્તો અને વિનાશનો માર્ગ છે. એને શરણે જઈને વ્યક્તિ પોતે પોતાના વિનાશને સામે ચાલીને નિમંત્રણ આપતો હોય છે. ઇંદ્રિયોના તાલે એ કુદી કુદીને નાચતો હોય છે ત્યારે એને ખ્યાલ પણ હોતો નથી કે એ શું કરી રહ્યો છે ? કારણ કે ઇંદ્રિયોથી સાંપડતા સુખની કલ્પનામાં એ રમમાણ હોય છે. એ વિચારે છે કે આ ઇંદ્રિય સુખ મળશે એટલે કેટલો બધો અપાર આનંદ પ્રાપ્ત થશે ! પરંતુ એ સુખ તો ક્ષણિક હોય છે અને પછી તો માત્ર દુઃખ જ રહે છે.
ખ્રિસ્તી ધર્મમાં કહ્યું છે : “કોઈ પણ વ્યક્તિ બે માલિકની સેવા કરી શકતો નથી.” જ્યારે અહીં તો બે નહીં, પાંચ માલિક છે, વ્યક્તિની પાંચેય ઇંદ્રિયો એની માલિક છે. આવી પાંચેય ઇંદ્રિયોના ભોગમાં ડૂબેલા માણસની કેવી દુર્દશા થતી હશે ! જ્યાં બે ઇંદ્રિયોને સાચવવી મુશ્કેલ