________________
પોતે જે વાત, વિચાર કે અભિપ્રાયનો સ્વીકાર કર્યો હોય, તેને બીજા પાસેથી સ્વીકારવાનું કાનને ગમે છે. કથા સાંભળનાર કથાના દીર્થ પટમાંથી પોતાને ગમતી કે ફાવતી વાતને જ ગ્રહણ કરશે. કોઈ કાનને સંગીત ગમે છે, તો કોઈની નિંદા પણ પસંદ પડે છે. જેટલો આનંદ કલાશોખીનને સંગીત સાંભળતાં થાય છે, એટલો જ આનંદ નિંદાખોરને કોઈની નિંદા સાંભળતાં થાય છે.
પાંચમી ઇન્દ્રિય છે સ્પર્શ અને આ ઇન્દ્રિય હંમેશાં સુંવાળા, મુલાયમ સ્પર્શને માટે આતુર હોય છે. આ સ્પર્શ એને માટે કામોત્તેજક પણ હોય છે. સ્પર્શ દ્વારા વ્યક્તિ પોતાના અન્ય સાથેના સંબંધો પ્રગટ કરતી હોય છે. આજના યુગમાં સ્પર્શનું વિશેષ મહત્ત્વ છે અને સ્પર્શની પોતાની એક ભાષા છે. વ્યક્તિને જાડાં, ખરબચડાં વસ્ત્રો નહીં ગમે, પરંતુ રેશમી વસ્ત્રો સાથે એનું મન જોડાઈ જશે.
ઇંદ્રિયોનો આ વ્યાપાર ઘણો મોટો છે. એનો અનુભવ વર્તમાનમાં થાય છે, પરંતુ એ વ્યક્તિને છેક એના ભૂતકાળથી માંડીને આવનારા ભવિષ્યકાળ સુધી લઈ જાય છે અને તેથી ભૂતકાળનો કોઈ સ્પર્શ એને ભવિષ્યના સ્પર્શ માટે ઉત્તેજિત કરતો હોય છે. ભૂતકાળમાં અનુભવેલી વાસના એને ભવિષ્યની વાસના તરફ દોરી જાય છે.
આમ એકને બદલે પાંચ દોડતા અશ્વો જેવી ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી મુશ્કેલ હોય છે અને તેમાં વળી આ ઇન્દ્રિયો ક્યારેક પાછા પગે ભૂતકાળમાં દોડી જાય છે, તો ક્યારેક ભવિષ્ય તરફ ધસી જાય છે. આને માટે એનું સારથિ મન મોકળાશ આપે છે. પાંચ તોફાની અશ્વોવાળા જીવનરથના સારથિ મનને યોગ્ય દિશામાં અને માર્ગે દોરવા એ જ એવરેસ્ટ-વિજય સમો દરેક માનવીને પડકાર હોય છે.
પરમનો સ્પર્શ ૧૩૭