________________
૧૩૨ પરમનો સ્પર્શ
લક્ષ્ય કેમ આપતો નથી ?
આવી ફરિયાદો લઈને જે પરમાત્મા પાસે જાય છે એ અવળે માર્ગે ચડી જાય છે. એ પરમનો સ્પર્શ પામવાની ઇચ્છા રાખતો નથી, પરંતુ પદાર્થની પ્રાપ્તિની ઇચ્છા રાખે છે. જ્યારે જ્યારે કોઈ પદાર્થ, વસ્તુ, સંપત્તિ કે સમૃદ્ધિની વાંછનાથી વ્યક્તિ પરમાત્મા પાસે જાય છે ત્યારે એની સમગ્ર ભૌતિકતાને સાથે – માથે તથા મનમાં લઈને જતો હોય છે. એના ચિત્ત પર રાગ અને દ્વેષનું પોટલું હોય છે. મનમાં ઇચ્છાઓ અને એષણાઓ હોય છે અને આથી એ ઈશ્વરને બદલે હકીકતમાં તો પોતાની ઇચ્છા, લાલસા અને વૃત્તિની શરણાગતિ સ્વીકારતો હોય છે. આમ, ‘હરિના મારગ'માં ભૌતિક ઇચ્છા સેવનાર હરિના મારગને બદલે પોતાની ઇચ્છાઓ, અપેક્ષાઓ, તૃષ્ણાઓ અને વાસનાઓના માર્ગે ચાલવા માંડે છે. - જેમ કેટલાક ફરિયાદ લઈને ઈશ્વર પાસે જાય છે, એ જ રીતે કેટલાક પ્રશંસાપ્રાપ્તિની ઇચ્છા સાથે જાય છે. ઈશ્વર વળી ક્યાંથી એની પ્રશંસા કરવાનો ? પણ ના, હકીકતમાં એ ઈશ્વરને પ્રશંસાપ્રાપ્તિનું માધ્યમ બનાવે છે. એના દ્વારા એ સામાજિક પ્રતિષ્ઠા મેળવવા ચાહે છે, ધાર્મિક વ્યક્તિ તરીકે ઓળખ ઊભી કરવા ઇચ્છે છે અને એ માત્ર એટલેથી જ અટકતો નથી, પરંતુ પોતાની આ ધાર્મિકતાની સહુ કોઈ કદર કરે એમ ઇચ્છે છે. વ્યાસપીઠ પરથી કે પાટ પરથી કોઈ સંત જ્યારે શ્રેષ્ઠીની પ્રશંસા કરે ત્યારે માનવું કે એ હરિના માર્ગેથી બીજા માર્ગે ફંટાઈ ગયા છે. જોકે આજે તો અત્રતત્ર સંત અને શેઠની જુગલબંધી જોવા મળે છે. ધનિક થોડું સાચું અને વધુ કાળું ધન આપીને ધર્મકાર્ય કરે છે અને એમાં પુણ્ય માને છે; પરંતુ એ ધર્મકાર્ય જ્યારે પ્રસિદ્ધિ તરફ જાય છે ત્યારે ધર્મનો આત્મા ગૂંગળાવા લાગે છે. આમ ઈશ્વરને કોઈ ફરિયાદ કરો તે અયોગ્ય છે તેમ એની પાસે સ્વપ્રશંસાની માગણી કરો તે પણ સાવ ખોટી વાત. વળી કોઈના પ્રત્યે દુર્ભાવ રાખીને હરિના મારગે જાઓ તો પહેલે પગલે જ અટવાઈ જશો અને પરમની પ્રસન્નતાના પહેલા સોપાન સુધી પહોંચી શકશો નહીં.
આથી પરમાત્મા પાસે તો શુભ ભાવનું સ્મરણ જ કરવાનું હોય. બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે :
“અસતો મા સદ્ ગમય,