________________
૧૩૦ પરમનો સ્પર્શ
ચકળવકળ આંખોની માફક ઘૂમતી અને ચકરાવા લેતી અતિ ચંચળ અતૃપ્તિને ઓળખવી.
અતૃપ્તિની ઓળખ એ સાધનાનું પહેલું પગથિયું છે. કઈ રીતે અતૃપ્તિ જાગી, તેનાં સંજોગો, કારણો અને હેતુઓનો વિચાર કરવો. એ અતૃપ્તિએ જીવનમાં સર્જેલી અંધાધૂંધીને જોવી અને પછી એ અતૃપ્તિને છાવરવાને બદલે એને સ્વીકારવાની તૈયારી કરવી. જે આપણા ચિત્તમાં વર્ષોથી વસે છે એનો સ્વીકાર કરવાને બદલે ઇન્કાર કરવો તે એક પ્રકારનું દમન યા પીડન છે અને જો આવું દમન કરવામાં આવે તો એ વૃત્તિ, ઇચ્છા, વાસના કે લાલસા જીવનમાં ક્યારે, કઈ પરિસ્થિતિમાં, ક્યાં અણધાર્યો ઉછાળો મારશે એ કહી શકાતું નથી.
આથી સાધકનું સૌથી પહેલું કામ પોતાના સ્વદોષની ચિકિત્સા કરવાનું છે. કોઈ કુશળ ડૉક્ટર જે રીતે હૃદય, આંતરડાં કે કિડનીનું ઑપરેશન કરે અને પોતાનું સમગ્ર લક્ષ્ય એ અંગ પર કેન્દ્રિત કરીને એની ઝીણામાં | ઝીણી નસને જુએ, એ રીતે પોતાના દોષની પરખ અને નિવારણની પ્રક્રિયા કરવી જોઈએ. વિચાર કરીએ કે મહાન ભક્તકવિ સુરદાસે “મો સમ કૌન કુટિલ ખલ કામી ?” એમ કહ્યું, ત્યારે એમણે એમના નાનામાં નાના દોષને કેવી સૂક્ષ્મ નજરે જોયો હશે ! વળી એમણે તો ખુલ્લા દિલે પોતાના દોષોનો સ્વીકાર પણ કર્યો. આથી પરમનો સ્પર્શ પામવાના માર્ગને ‘હરિનો મારગ છે શૂરાનો’ એમ કેમ કહ્યું હશે ? જ્યાં પ્રભુ પ્રત્યે પૂર્ણ સમર્પણ હોય, ત્યાં વળી શૂરવીરતા કઈ દાખવવાની ? જ્યાં કોઈ બંદ્ધ કે સંઘર્ષ ન હોય, ત્યાં સાહસ શું કરવાનું? જ્યાં બધું જ હરિને સોંપ્યું હોય, ત્યાં તમારો શત્રુ કોણ હોય ? જ્યાં પરમાત્મામાં લીન થવાનું હોય, ત્યાં વળી લડવાનું કોની સાથે હોય ?
હકીકતમાં ‘હરિના મારગે ચાલનારે પ્રબળ વીરતા દાખવવી પડે છે. બાહ્ય વીરતા કરતાં આંતરિક વીરતા વધુ મુશ્કેલ અને પડકારરૂપ હોય છે. યુદ્ધના મેદાન પરની શૂરવીરતા કરતાં અંતઃકરણના મેદાન પર શૂરવીરતા દાખવવી વધુ ચડિયાતી અને વધુ કઠિન હોય છે. બહારના સંઘર્ષ કરતાં આધ્યાત્મિક સાહસ વધુ કપરું હોય છે. બહારના શત્રુ કરતાં અંદરનો શત્રુ વધુ પ્રબળ, ખૂંખાર અને વિનાશક હોય છે. બહાર તો નજર સમક્ષ દેખાતા દુશ્મન સામે લડવાનું હોય છે, જ્યારે ભીતરમાં તો પોતે જ પોતાનાં ભાવો, લાલસાઓ અને વૃત્તિઓ સામે યુદ્ધ ખેલવાનું