________________
ચક્ષુમાંથી વહેતી કરુણા તમને ભીંજવે છે. શ્રદ્ધાનો સૂર વ્યક્તિમાં પાત્રતા જગાવે છે. ઘણી વ્યક્તિઓ પોતાની ખામી, ભૂલ કે ક્ષતિઓનો સતત વિચાર કરીને આત્મહત્યા કરતી હોય છે. કોઈ નબળી ક્ષણે થયેલી ભૂલને સતત મનમાં, હૃદયમાં અને મસ્તક પર રાખીને પોતાનું જીવન કલુષિત કરી નાખે છે. પોતાના હાથથી કોઈ ખોટું કામ થઈ જતાં એ હાથને બાળી નાખે છે અથવા તો પોતાને ઈશ્વરનો ગુનેગાર માનીને એકલતાપૂર્ણ એકાંતજીવન વિતાવે છે.
પરમમાં શ્રદ્ધા મૂકશો એટલે એ તમારામાં તમારી જાતને માટે સન્માન અને આદર જગાવશે. તમારામાં ભક્ત કે સાધકની પાત્રતા જગાવશે અને એ રીતે એ તમારો તમારી સાથેનો સ્નેહભર્યો સંબંધ સર્જી આપશે. એ હકીકત છે કે વ્યક્તિ પોતે જ પોતાની જાતની જ દુશ્મન હોય તો એના જીવનમાં હતાશા, નિરાશા અને નિષ્ફળતા સિવાય બીજું કશું મળતું નથી. બીજા તો તમને પરાજિત કરે એ દૂરની વાત, કિંતુ તમે જ તમારી જાતને પરાજિત કરી દેશો.
મહાત્મા ગાંધીએ કહ્યું કે “શ્રદ્ધાનો અર્થ છે આત્મવિશ્વાસ અને આત્મવિશ્વાસનો અર્થ છે ઈશ્વર પર વિશ્વાસ.” આવો ઈશ્વર પરનો વિશ્વાસ નવી પ્રેરણા જગાડશે, સારા ભાવો સર્જશે અને એ રીતે વ્યક્તિત્વમાં જરૂરી નિખાર લાવશે.
૧૨૨ પરમનો સ્પર્શ