________________
૨૪
આપણા આત્માની સાક્ષીએ
અત્યારે, આ ક્ષણે, તમે શું વિચારો છો ? તમારા મનમાં ચાલી રહેલા એ વિચારતરંગ કે ખ્યાલને બરાબર પકડી રાખો અને પછી એનું સૂક્ષ્મ અને તટસ્થપણે પૃથક્કરણ કરવા લાગી જાઓ. મનમાં જેનો વિચાર કરીએ છીએ, તે બાબત જ આપણા વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરે છે. મનમાં ચાલતો એ વિચાર એ વ્યક્તિના ભીતરનું આઇડેન્ટિટી-કાર્ડ (યથાર્થ ઓળખપત્ર) બની રહે છે.
જીવનમાં સૌથી મહત્ત્વની બાબત તમારો “માઇન્ડ-સેટ’ છે. તમારી ચિત્તની દિશા એ જ તમારી વિચારસૃષ્ટિની પરિચાયક છે. જો ચિત્તમાં શુભભાવ હશે, તો ઊર્ધ્વજીવનના વિચારો આવશે અને જો ચિત્તમાં વાસના કે વિકાર હશે, તો એની તૃપ્તિ માટેની ઝંખના અને એની પ્રાપ્તિ માટેની એષણાઓ મનમાં દોડાદોડ કરતી હશે. આનો અર્થ જ એ કે વ્યક્તિને જે પામવું હોય તે તરફ એના ચિત્તને રાખવું જોઈએ. જો એનું ચિત્ત આત્માના વિચારોમાં ડૂબેલું હશે, તો એ સાહજિક રીતે આત્મસામીપ્ય અને ઊર્ધ્વતા પામશે.
માનવી પાસે શરીર, મન અને આત્મા – એમ ત્રણ બાબત છે. એના જીવનમાં સ્વસ્થતાની દૃષ્ટિએ શરીરનું મહત્ત્વ છે. જપ, તપ કે ઉપવાસ કરવા હોય, તો એમાં શરીરની ક્ષમતા મહત્ત્વની છે, ધર્મશાસ્ત્રોએ શરીરને ધર્મના મુખ્ય સાધન તરીકે ઓળખાવ્યું છે. માણસ એના જીવનનો ઘણો મોટો ભાગ પોતાના શરીરની ચિંતામાં ગાળે છે. એમાં પણ યુવાનીમાંથી વૃદ્ધત્વ તરફ ગયેલા માણસને રોજેરોજ શરીરની ફરિયાદ રહેતી હોય છે અને એનું ચિત્ત પણ શરીરની ચિંતાથી ઘેરાયેલું રહે છે. બીજું તત્ત્વ છે મન, કે જે નિરંકુશ બનીને સતત દોડતું રહે છે અને માણસનું કાર્ય જ એ છે કે એ મનને અંકુશમાં રાખે અને એ રીતે પોતાના જીવનને યોગ્ય ગતિ આપે. આ મન ક્યારેક હતાશા અનુભવે છે, તો ક્યારેક નિરાશામાં
પરમનો સ્પર્શ ૧૨૩