________________
૧૧૪ પરમનો સ્પર્શ
પ્રયોજનમાંથી પ્રગટેલી હોય છે. પ્રયોજન સિદ્ધ થતાં એ શ્રદ્ધાનો પણ સૂર્યાસ્ત થાય છે. આવી વ્યક્તિ જીવનનું કલ્યાણ મંગલ કરતા નમસ્કાર મહામંત્રને બદલે અનિષ્ટનું નિવારણ કરતા સ્તોત્રની ઉપાસના વધુ પસંદ કરે છે. પ્રયોજનબદ્ધ શ્રદ્ધા સ્વાર્થલક્ષી, પદાર્થલક્ષી અને બાહ્યપ્રાપ્તિ આધારિત હોય છે. પરિણામે આ શ્રદ્ધા પણ વ્યક્તિની અંગત ઇચ્છા, લાલસા કે પૂર્તિનો પ્રપંચ બની રહે છે.
ત્રીજી શ્રદ્ધા તે અંધશ્રદ્ધા. આમાં વ્યક્તિ કશુંય વિચાર્યા વિના ગતાનુગતિક રીતે ક્રિયાકાંડને અનુસરતી હોય છે. પોતાનાં શાસ્ત્રોનું કથન કે પોતાના પૂર્વજોનું રૂઢિ-આચરણ એ સોએ સો ટકા સંપૂર્ણ સત્ય જ હોય, એમ માનીને તે એ રૂઢિ કે માન્યતા અનુસાર ક્રિયા કરે છે. એક સમયે ભારતમાં શીતળાના ઉપદ્રવથી બાળમરણો થતાં હતાં. શીતળા પ્રતિરોધક રસી શોધાયા પછી એવું રહ્યું નથી, આમ છતાં ઘણી સ્ત્રીઓ બાળકને શીતળા થયા પછી તેને નમાવવા માટે શીતળા માતાના મંદિરે જતી હોય છે, શીતળા માતાની બાધા રાખતી હોય છે અને શીતળા સાતમનું વ્રત પણ કરતી હોય છે. આંખ સતત પાટા બાંધીને રહેતી આ શ્રદ્ધા તર્ક, વાસ્તવિકતા કે સમયસંદર્ભ પ્રત્યે અંધાપો ધરાવતી હોય છે.
| મૂળ ક્રિયાનો મર્મ કે પ્રાણ ચાલ્યો ગયો હોય, કશો તર્ક કે ભાવના રહ્યાં ન હોય અને તેમ છતાં પરંપરાગત હોવાથી તેનું આચરણ કરવામાં આવે છે. વ્યક્તિ શુભ કાર્ય માટે મંગલ મુહૂર્ત જોતી હોય છે અને એ મુહૂર્ત કાર્યનો પ્રારંભ કરતી હોય છે, પરંતુ ટ્રેનમાં બેસતી વખતે કે પ્લેનમાં સફર કરતી વખતે, “અત્યારે ચલ કે કાળ ચોઘડિયું છે કે નહીં? તેનો કોઈ વિચાર કરે છે ખરું? લગ્નપ્રસંગે હસ્તમેળાપનું મુહૂર્ત જોવામાં આવે છે. કુમકુમ-પત્રિકામાં હસ્તમેળાપનો સમય બરાબર મિનિટ સાથે લખવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં કોઈ મુહૂર્ત સચવાતું નથી ! એ જ રીતે અતિ પવિત્ર ગણાતી લગ્નવિધિ પૂર્ણ રૂપે પવિત્રતાથી કરાવવામાં આવતી નથી. આમ સાપ ગયા અને લિસોટા રહ્યા, એની માફક વસ્તુનું હાર્દ ચાલ્યું ગયું અને માત્ર એના બહારી ખોખાની આંધળી ઉપાસના કે આચરણ કરવામાં આવે છે.
આવી અંધશ્રદ્ધાને કારણે ધર્મ, રાષ્ટ્ર કે સમાજનું પુષ્કળ અહિત થતું હોય છે. સતીપ્રથા કે પરદેશગમનનિષેધ જેવી અંધશ્રદ્ધાઓએ ભારતને ઘણું નુકસાન કર્યું. આવી અંધશ્રદ્ધામાં પણ એક પ્રકારની આસ્થા હોય