________________
પરમનો અલ્પમાત્ર સ્પર્શ નથી, એ ચિત્તમાં પરમાત્મા પ્રત્યેની અખંડ શ્રદ્ધા જાગે ક્યાંથી ?
શ્રદ્ધા માગે છે શુદ્ધ પ્રેમ અને સર્વસ્વસમર્પણ. આવી શ્રદ્ધા જ વ્યક્તિની ચેતનાને સંકલ્પબળ આપશે અને એ સંકલ્પબળને પરિણામે વ્યક્તિના જીવનમાં આવતાં ઘણાં વિકલ્પો, દૂષણો, શિથિલતા અને ચંચળતા એને સ્પર્શશે નહીં, આપોઆપ અળગાં રહેશે. વ્યક્તિની શ્રદ્ધા એના સ્વભાવનું અનુસરણ કરતી હોય છે, ખોટી, કૃત્રિમ કે આડંબરી શ્રદ્ધા અને સાચી સંકલ્પલક્ષી શ્રદ્ધા વચ્ચેનો ભેદ પ્રથમ પારખી લઈએ.
પ્રથમ પ્રકારની શ્રદ્ધા છે તીવ્રવેગી અતિ ચંચળ શ્રદ્ધા. આજે એ એક સ્થાને જાય છે અને એની અસર અનુભવે છે, આવતીકાલે એ અન્ય સ્થાને જાય છે અને એનાથી અતિ પ્રભાવિત થાય છે. એક સમયે એને ખ્રિસ્તી ધર્મના માનવતાના સિદ્ધાંતો પસંદ પડે છે અને સમય જતાં એ ભાઈચારો ધરાવતા ઇસ્લામ ધર્મને અનુસરવાનો વિચાર કરે છે. વળી એવામાં એને બહાઈ પંથની વ્યાપક વિચારધારા ગમવા લાગે છે અને વળી ત્યાંથી નીકળીને એ ઓશોની ઉપાસનામાં ડૂબી જાય છે. મનની ચંચળતા સાથે શ્રદ્ધા તીવ્રવેગે પલટાતી રહે છે. એના પરિવર્તનનું કારણ એનું ચંચળ ને તીવ્રવેગી ચિત્ત છે. કોઈ ધર્મમાં એક સારો સિદ્ધાંત જુએ . અને તે એના પર વારી જાય. એ પછી બીજા ધર્મમાં પોતાને ગમતો કોઈ સિદ્ધાંત જોવા મળે એટલે પહેલા ધર્મ કે સિદ્ધાંતની વાત છોડીને તે બીજા ધર્મની ઉપાસના કરવા લાગે છે, એનું મહિમાગાન કરે છે. એની પાસે વિવેક કે તુલનાત્મક દૃષ્ટિ હોતાં નથી, પરંતુ ચિત્તને સહેજ આકર્ષિત કરતી બાબતોને દોડીને વળગી પડવાની વૃત્તિ હોય છે. એની સાધના ગહન સિદ્ધાંત કે અનુભવના અર્કને પરિણામે ઘડાયેલી હોતી નથી. એની પાસે પોતીકી મૂલ્યસૃષ્ટિ, નિશ્ચિત હેતુ કે સાધનાનું કોઈ અંતિમ પ્રયોજન હોતું નથી. એ જ્યાં જાય ત્યાં એનાથી રંગાઈ જાય છે; કારણ કે એની પાસે પોતાનો કોઈ આગવો રંગ હોતો નથી.
બીજા પ્રકારની શ્રદ્ધા તે પ્રયોજનલક્ષી શ્રદ્ધા છે. કોઈ વ્યક્તિ ખોટાં કામો કરવાને કારણે આપત્તિથી ઘેરાઈ ગઈ હોય, ત્યારે એ કોઈ મંત્ર પર આસ્થા રાખીને આપત્તિનિવારણ માટે શ્રદ્ધા રાખીને મંત્રોપાસના કરે છે. એને લક્ષ્મી પ્રાપ્ત કરવી હોય તો લક્ષ્મીના જપ, યંત્ર અને મંત્ર – એ સઘળાંનું અનુષ્ઠાન કરે છે. આવી શ્રદ્ધા અંતરમાંથી ઊગેલી નહીં, પરંતુ
પરમનો સ્પર્શ ૧૧૩