________________
૧૧૦ પરમનો સ્પર્શ
વહેલું વિલય પામે છે.
કોઈ પણ પ્રકારના સાધકને માટે શરીરનું સ્વાથ્ય જરૂરી છે. તપ અને ત્યાગની પરાકાષ્ઠા પ્રગટ કરનાર ભગવાન મહાવીરે પણ દર્શાવ્યું છે કે, “શરીર નાવ છે અને આત્મા નાવિક છે.” આનો અર્થ જ એ કે આત્માને માટે શરીરની આવશ્યકતા છે. એ સાચું કે એ શરીરને જાળવવું જોઈએ; પરંતુ વ્યક્તિનું ચિત્ત માત્ર શરીરના સુખમાં જ રમે તેવું થવું જોઈએ નહીં.
શરીર અને આત્માનો પોતપોતાના સ્થાને મહિમા છે. શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું છે કે, “શરીર છાશનો લોટો છે અને આત્મા ઘીનો લોટો છે.' બંને એકમાંથી ઉત્પન્ન થયાં હોવા છતાં છાશનો લોટો કોઈ ફરી ભરી આપે છે, પણ ઘીનો લોટો કોઈ ફરી ભરી આપતું નથી. આનો અર્થ એવો નથી કે છાશના લોટાનો ત્યાગ કરવો જોઈએ, બલ્ક જીવનમાં છાશના લોટા અને ઘીના લોટા વચ્ચેનો ભેદ જાણવો જોઈએ. ઘીના લોટા કરતાં છાશના લોટાને વધુ મહત્ત્વનો માનનાર ભૂલ કરે છે એટલે કે દેહની સંભાળ લેવી જરૂરી છે, પણ એ એક અર્થમાં મરજિયાત છે, જ્યારે આત્માનો મહિમા ઘીના લોટા જેવો હોવાથી એને સંભાળવાની વ્યક્તિ કે સાધકની મહત્ત્વની ફરજ છે, પરમ કર્તવ્ય છે. દેહની સંભાળ સ્વાથ્યની આવશ્યકતાની દૃષ્ટિએ થવી જોઈએ, જ્યારે આત્માની સંભાળ વ્યક્તિના આધ્યાત્મિક સ્વાથ્યની દૃષ્ટિએ થવી જોઈએ.
સાધકને બહાર દોડાવતી ઇંદ્રિયો જ્યારે અંતર્મુખ બને છે, ત્યારે એનામાં અધ્યાત્મની એક નવી તૃષા જાગે છે. પહેલાં ઇંદ્રિય-સુખની પ્રાપ્તિની જે તરસ હતી, તે તરસ હવે અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિમાં પલટાઈ જાય છે. પહેલાં મન બહારનાં આકર્ષણોમાં ડૂબેલું હતું, હવે એને ભીતરનું આકર્ષણ જાગે છે. ધીરે ધીરે એ બાહ્ય આકર્ષણોનો ત્યાગ કરીને ભીતરમાં વધુ ને વધુ વસવાની ખેવના રાખે છે. પહેલાં એનું મસ્તક કોઈ ઇચ્છી શાયરી કે પ્રેમ-કાવ્યથી ડોલતું હતું, હવે એ જ મસ્તક કોઈ અનહદના નાદની વાતે ડોલવા લાગે છે. પહેલાં વ્યવહારના સંબંધોમાં ભાવુકતાનો અનુભવ થતો હતો. દીકરો થોડી અવજ્ઞા કરે તો હૃદય પર પીડાનો પહાડ તૂટી પડતો હતો. પત્નીથી કોઈ ક્ષતિ થાય તો મન અકળાઈ ઊઠતું હતું. આધ્યાત્મિકતાનો અણસાર પામ્યા પછી પણ જીવનમાં આ બધી ઘટનાઓ બને છે ખરી; પરંતુ એનાથી ચિત્ત ગ્રસિત કે વ્યથિત થતું નથી. વ્યક્તિ