________________
૨૧
જીવનમાં આવશે “યૂ-ટર્ન'
૧૦૮ પરમનો સ્પર્શી
બાહ્ય અપેક્ષાઓ અને બાહ્ય સુખમાં પ્રબળ આકર્ષણ અનુભવીને અપાર આનંદ શોધતા માનવીનું ચિત્ત અશુદ્ધ ભાવો અને અશુદ્ધ વિચારોમાં લીન હોય છે; પરંતુ જ્યારે એ ઇંદ્રિયોની ગુલામીનો ત્યાગ કરીને મુક્ત બને છે, ત્યારે એના જીવનમાં “યુ-ટર્ન’ જેવું પરિવર્તન આવે છે.
જ્યાં સુધી એ ઇંદ્રિયોનો દોડાવ્યો દોડતો હતો, ત્યાં સુધી એનું ચિત્ત સતત ટેન્શનમાં રહેતું હતું. એના જીવનમાં પ્રાપ્તિની હાંફળી-ફાંફળી દોડધામ દૃષ્ટિગોચર થતી હતી અને તેને માટે આંધળી દોડ લગાવતો હતો. એકબે નહીં, પણ પાંચ પાંચ ઇંદ્રિયોને સતત પોષવાની હોવાથી એને ક્યાંય પગ વાળીને બેસવાની નિરાંત સાંપડતી નહોતી; પરંતુ જે સમયે એ આત્મશુદ્ધિ પ્રત્યે જાગૃત બને છે ત્યારથી એના જીવનમાં પરિવર્તન આવે છે.
પહેલાં જેમાં અપાર રસ હતો, એ પ્રત્યે હવે લેશમાત્ર આકર્ષણ રહેતું નથી. અરે ! એના તરફ એ દૃષ્ટિ પણ નાખતો નથી. જેની પ્રાપ્તિમાં એને જીવનનું પરમ અને સર્વોચ્ચ ધ્યેય દેખાતું હતું, એ ધ્યેય જ બદલાઈ જાય છે એટલે પ્રાપ્તિની કોઈ કામના રહેતી નથી.
આ સમયે ઇંદ્રિયોની બળબળતી લાલસામાંથી આધ્યાત્મિક મુમુક્ષા પ્રત્યેની ગતિમાં જવા માટે એને કપરી અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડે છે. આ એક ઊંચો કૂદકો છે, એક મોટી છલાંગ છે, એક એવું કાર્ય છે કે જે બાહ્ય દૃષ્ટિએ દેખાતું નથી, કિંતુ માનવીને એક કિનારાથી છેક બીજા કિનારા સુધી લઈ જાય છે. એક કિનારા પર અપાર આકર્ષણો હતાં, મોજ-મજા હતી અને ત્યાંથી છલાંગ મારીને એ બીજા કિનારા પર જાય છે, ત્યારે ત્યાં કોઈ ભૌતિક ચીજ-વસ્તુઓ કે આકર્ષણો હોતાં નથી; પરંતુ માત્ર ને માત્ર ચિત્તની પરમ શાંતિ હોય છે.
ભૌતિકમાંથી આધ્યાત્મિક તરફની આ છલાંગ વિશે વિશેષ ચિંતન