________________
સંત મનસૂરનો ઉત્સાહ જુઓ. એણે ઉર્દૂમાં લખેલા કાવ્યનું ગુજરાતી રૂપાંતર જોઈએ :
“હમેશાં ખા, હમેશાં પી, ન ગફલતમાં રહે પળવાર. હુકમ છે શ્રી હરિનો, તું અહમ્ બ્રહ્માસ્મિ કહેતો જા. કહે મનસૂર મસ્તાના, હરિ જાણ્યા મેં અંતરમાં,
અહીં મસ્તો તણો અડ્ડો તું એની માંહી આવી જા.”
અહીં મસ્તાનો મનસૂર અધ્યાત્મસાધકોને પોતાના ‘અડ્ડા' પર બોલાવી રહ્યો છે. તમે કલ્પનાથી વિચાર કરો તો ઉત્સાહથી ઝૂમતો સંત મનસૂર જોવા મળશે. એના આધ્યાત્મિક આનંદની છાલકનો પણ વાચકને સતત અનુભવ થશે. આવો ઉત્સાહ સાંસારિક જીવન જીવનારને સ્વસ્થ રીતે પ્રગતિની પ્રેરણા આપે છે. જીવનના અવરોધોથી એ અટકી જતો નથી, મુશ્કેલીઓથી મહાત થતો નથી, પરંતુ એ આ બધાંને સાથે લઈને ઉત્સાહથી જીવનમાં આગળ ધપતો હોય છે. આધ્યાત્મિક દૃષ્ટિએ જોઈએ તો આવો ઉત્સાહ વ્યક્તિના આંતરવિકાસ માટે જરૂરી છે. આને પરિણામે સાધક સાધનાજીવનની મુશ્કેલીઓને ઓળંગી શકે છે અને અધ્યાત્મને માર્ગે આગળ ધપતો રહે છે. કદાચ જીવનમાં બનતી ઘટનાઓથી એનો ‘મૂડ’ બદલાય છે, પરંતુ ફરી પાછો એનો ઉત્સાહ અને જીવનના મૂળ માર્ગે લાવી દે છે, એથી જ એમર્સન જેવા વિચારકે લખ્યું છે કે, “ઉત્સાહ વિના ક્યારેય કોઈ મહાન ધ્યેયની પ્રાપ્તિ થઈ નથી.”
વળી એક વ્યક્તિનો ઉત્સાહ બીજી વ્યક્તિમાં ઉત્સાહનું સર્જન કરે છે. દાંડીકૂચ કરતા મહાત્મા ગાંધીજી અને સત્યાગ્રહીઓનું દૃશ્ય જોશો તો | એમના ચહેરા પર અને એમની ચાલમાં ઉત્સાહનો અનુભવ થશે. આનો અર્થ જ એ કે તમે ઉત્સાહી હશો, તો તમારા સાથીઓ જોશીલા બનશે અને તમારો એ ઉત્સાહ તમારી લાગણીઓને યોગ્ય દિશામાં વાળશે. આથી વર્તમાનજીવનને ઉત્સાહભેર આલિંગન આપો તો આખું જીવન ઉત્સાહનો મહોત્સવ બની જશે.
પરમનો સ્પર્શ ૧૦૭