________________
અધ્યાત્મ અને ઉત્સાહ
૧૦૦ પરમનો સ્પર્શ
તમારી ચોપાસ હરતી-ફરતી વ્યક્તિઓની જીવનશૈલી જરા ઝીણવટથી જોજો. કેટલીક વ્યક્તિ વાત કરતી હોય, ત્યારે હંમેશાં ઉશ્કેરાટથી વાત કરતી હોય છે. એ કંઈ પણ કહે, તો એની પાછળ એનો આવેગ પ્રગટ થતો હોય છે. પરિસ્થિતિ કદાચ ઉશ્કેરાટભરી ન હોય, તોપણ એની રજૂઆત હંમેશાં ઉત્તેજનાપૂર્ણ હોય છે. એ કહેશે કે “આજે મહેમાન આવ્યા અને હું મૂંઝાઈ ગઈ. શું કરવું તે સમજાતું નથી. ત્યાં જ નાસ્તો વેચનારો નીકળ્યો અને એની પાસેથી નાસ્તો લીધો, મહેમાનને આપ્યો. હાય બાપ, આ નાસ્તાવાળો ન આવ્યો હોત તો શું થાત.' આવી વ્યક્તિ એના આનંદની અભિવ્યક્તિ પણ ઉશ્કેરાટભરી રીતે, ‘હાઈ પિચથી વ્યક્ત કરતી હોય છે.
કેટલીક વ્યક્તિઓ વક્રદ્રષ્ટા હોય છે. એમને તમે કહો કે ‘વાતાવરણ કેવું સરસ છે !” એ કહેશે કે વાતાવરણ ભલે સરસ હોય, પણ જરી ઠંડી પજવે છે. આવી વ્યક્તિ હંમેશાં પ્રથમ તો તમારી વાતનો અસ્વીકાર જ કરશે, કારણ કે એને અન્ય વ્યક્તિને ઉત્તર આપતાં પહેલાં વિચાર કરવાની ટેવ નથી. માત્ર જે કંઈ કહેવાય, એની પ્રતિક્રિયા રૂપે એનો વિરોધ કરવાની આદત હોય છે. કેટલીક વ્યક્તિઓ દોષદર્શી હોય છે. કોઈ પણ વ્યક્તિ, પરિસ્થિતિ, પ્રદેશ કે દેશની વાત કરો, તો એ તત્કાળ તમારી સન્મુખ એનો કોઈ ને કોઈ દોષ શોધીને ધરી દેશે.
આ બધામાં સૌથી વધુ નુકસાનકારક કોઈનું વ્યક્તિત્વ હોય તો તે નિસ્તેજ , બંધિયાર, માંદલું અને સ્થગિત જીવન જીવનારી વ્યક્તિનું છે. આવી વ્યક્તિઓ ચેપી રોગ જેવી હોય છે, જે સતત એના બંધિયાર જીવન અને સંકુચિત વિચારણાનાં ચેપી જંતુઓ તમને આપતી રહે છે. એમનામાં જીવનનો ઉત્સાહ સદંતર મરી પરવાર્યો હોય છે. એમની વાતચીત કરવાની રીત પણ એવી હોય છે કે એમ લાગે કે એમના મુખમાંથી