________________
માણેકને તો ખાવાનું ખૂટ્યું. કપડાં ફાટી ગયાં. દાઢી બોડાવવા દામ રહ્યાં નહીં અને દરબારમાં દાઢી કરાવ્યા વગર જવાય નહીં.
આજ દાઢી કરાવવા બેઠા પણ માણેકલાલની આંખમાં આંસુ આવી ગયાં. વાળંદ કહે, “કાં ભાઈ ! રડો કાં ?” માણેક કહે, “નોકરી પાછળ હાલ-બેહાલ થઈ ગયો.” વાળંદ કહે, “તે તમે માવજીભાઈને મળ્યા છો ?” માણેક કહે, “ના.”
વાળંદ કહે, “તો બાપુ શું, બાપુનો બાપુ તમને નોકરી રાખી શકશે નહીં. રાખ્યા તો બે-ચાર દિવસે ગડગડીયું કાં જેલ !”
માણેક કહે, “માવજીભાઈ મારું કામ કરશે ?”
વાળંદ કહે, “હા. ગમે તેવા ગરીબનું કામ કરે એવા છે. ગરીબ-પરવર છે. ફક્ત અર્ધ-અર્ધ સ્વાહા કરવું જોઈએ. કામ કરવાનો આ એમનો કાયદો.”
માણેક કહે, “વાર, મારી ક્યાં ના છે ? અરે, વીસમાંથી દશ મળે તોય જાર-બાજરી ભેગાં તો થવાય.”
બીજે દિવસે માણેકલાલ માવજીભાઈની તહેનાતમાં હાજર થયો. નમસ્કાર કરી ગળગળા સાદે બોલ્યો,
મારું કામ કરી દો.”
માવજીભાઈ કહે, “મારા જેવો દયાળુ બીજો કોણ છે ? પહેલાં મારી પાસે આવ્યા હોત તો અત્યારે લીલી વાડીમાં ફરતા હોત.”
માણેક કહે, “એટલાં નસીબ ખોટાં. મારી ભૂલ થઈ. માફ કરો.”
માવજીભાઈ કહે, “લોકોને પૂછી જુઓ. એવું મને કાંઈ ખોટું લાગતું નથી. આ તો નાહક તમે હેરાન થયા. કામ કરવાનો મારો કાયદો જાણો છો ને !”
મોતીની માળા @ ૭૦