________________
એક-એક પોટલું અને હાથમાં એક એક ચીજવસ્તુ. આ બધાં ગામની ઊભી બજાર વચ્ચેથી નીકળ્યાં.
આગળ ચાલે કામદાર. એણે હાથમાં નાની બાળકીને તેડી હતી. મોઢેથી ઠાકોરને મોંફાટ ગાળો દેતો જાય. કહે,
“રાજા કાનનો કાચો છે.” “એને કોઈની કદર નથી.” વગેરે...
ફરમાન કર્યા પછી ઠાકોરે કામદાર શું કરે છે ? એને કોણ મળે છે ? ક્યારે જાય છે ? એની તપાસ રાખી હતી. પોતાને અવારનવાર ખબર આપવા માટે ઠાકોરે એક ચાડિયો રાખ્યો હતો. એણે તરત જ બાપુને ખબર આપ્યા :
“બાપુ, જટો કામદાર તો પગે ચાલીને ઊભી બજારેથી નીકળ્યો. પણ બાપુ ! આપને શું ગાળો આપે ! શું ગાળો આપે ! કાનના કીડા ખરે એવી, હોં !”
બાપુએ જવાબ આપ્યો : “અલ્યા, ગામ છોડવું પડે અને વળી કામદારું છોડવું પડે તો પછી ગાળો તો આપે જ ને ? પણ છેવટે પાપ ટળ્યું ખરું ! હવે સવારે જો રાજની હદમાં ભાળું તો એને સીધેસીધો ફાંસીએ ચડાવી દઉં. એમાં વળી મીનમેખ ફેર નહીં, હોં !”
જટાશંકર કામદારે ગામ તો છોડ્યું. મહાજને જાણ્યું કે પાપ ટળ્યું, ઠાકોરે જાણ્યું કે નિરાંત થઈ, વસ્તીએ માન્યું કે હાશ, બલા ટળી.
ગામથી બે માઈલ દૂર જઈને જટાશંકર કામદારે એના પરિવારને કહ્યું: “જુઓ, આ મહાદેવનું મંદિર છે. તેમાં તમે બધાં બેસો અને નિરાંતે આરામ કરો.”
ભયથી થરથરતી જટાશંકરની પત્નીએ કહ્યું, “અરે, પણ આપણે સવાર પહેલાં તો રાજની હદ છોડવાની છે ને !”
જટાશંકરે જવાબ આપ્યો,
“બસ, બસ હવે, અહીં કંઈ ઠાકોરનું રાજ નથી. આ તો ભોળાનાથની
મોતીની માળા ૭ ૧૦