________________
મારી એક વિનંતી નોબેલ પારિતોષિક વિજેતા ભૌતિકશાસ્ત્રી, ગણિતજ્ઞ તથા સાપેક્ષતાના સિદ્ધાંતના સ્થાપક આલ્બર્ટ આઇન્સ્ટાઇન બ્રિટનની મુલાકાતે ગયા હતા. આ જગપ્રસિદ્ધ વિજ્ઞાનીને બ્રિટનની મહારાણીએ ભોજન માટે નિમંત્રણ પાઠવ્યું હતું. વળી એ નિમંત્રણ સાથે એમને જાણ કરવામાં આવી હતી કે ‘તમને લેવા માટે શાહી મોટરગાડી તમારા ઉતારા પર આવશે. એ અંગે અન્ય કોઈ વ્યવસ્થા કરવાની જરૂર નથી.'
આલ્બર્ટ આઇન્સ્ટાઇન શાહી મહેલથી દૂર આવેલી એક હોટલમાં ઊતર્યા હતા. મનમાં તો વિજ્ઞાનના સિદ્ધાંતો વિશે સતત ચિંતન ચાલતું હતું. આમેય જીવનની સામાન્ય બાબતો અંગે ભુલકણો સ્વભાવ પણ ખરો. આથી સમયસર પહોંચવા માટે તેઓ તૈયાર થઈને બ્રિટિશ શાહી મહેલ તરફ ચાલવા લાગ્યા. આલ્બર્ટ આઇન્સ્ટાઇન નિર્ધારિત સમયે પહોંચી ગયા, પરંતુ બ્રિટનની રાણીને ખ્યાલ આવી ગયો કે તેઓ એમના ઉતારેથી ચાલતા અહીં આવ્યા છે. આથી એમણે કહ્યું, “આપને લેવા માટે મોટર મોકલી હતી અને તમે કેમ ચાલતા આવ્યા?’
આઇન્સ્ટાઇને કહ્યું, “એ વાત તો હું સાવ ભૂલી જ ગયો. તૈયાર થયો એટલે ચાલતો ચાલતો નીકળી ગયો.”
આમેય આઇન્સ્ટાઇનને ચાલવાનો શોખ ઘણો. અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકેની કામગીરી સ્વીકારતી વખતે પણ એમણે એક શરત મૂકી હતી કે એમને યુનિવર્સિટીની નજીકના વિસ્તારમાં ઘર ફાળવવામાં આવે. આઇન્સ્ટાઇન પાસે મોટર હતી, તેમ છતાં મોટા ભાગે એ ચાલીને જ યુનિવર્સિટી જતા. આઇન્સ્ટાઇને બ્રિટનની રાણીને કહ્યું, “માફ કરજો, આપે કરેલી એ વ્યવસ્થા મારા સ્મરણમાં રહી નહીં, પણ હવે મારી એક વિનંતી છે કે આ અંગે ડ્રાઇવરને તમે કોઈ ઠપકો આપતાં નહીં.”
C'
'
મંત્ર માનવતાનો
94