________________
ધન-દોલતની કિંમત ઈરાનના બાદશાહ હારૂન અલ રશીદને પોતાના વિરાટ સામ્રાજ્યનો અને અઢળક ધન-સંપત્તિનો અતિ અહંકાર હતો. આ અહંકારે એને ગર્વિષ્ઠ અને તોછડો બનાવી દીધો હતો. નોકર-ચાકર તો ઠીક, પરંતુ રાજના દીવાનો સાથે પણ એનો વ્યવહાર સૌજન્યહીન હતો. આવા ઘમંડી બાદશાહને મળવા માટે અબુ શીક નામના મહાન મુસ્લિમ સંત આવ્યા. આ અબુ શીકે બાદશાહને પૂછ્યું, “બાદશાહ, તમારી ધનદોલતનું કુલ મૂલ્ય કેટલું છે ?”
સૂફી સંતના પ્રશ્ન બાદશાહને વિચારમાં ડુબાડી દીધો. બાદશાહનો ગર્વ બોલી ઊઠ્યો, અરે ! એટલી બેશુમાર દોલત મારી પાસે છે કે જેની મને ખુદને ખબર નથી. એનો અંદાજ હું કઈ રીતે આપું ! તમારી કલ્પના બહારની આ વાત છે.” - સૂફી સંતે કહ્યું, “બાદશાહ, ધારો કે તમે સહરાના રણમાં ભૂલા પડ્યા છો, તમને ખૂબ તરસ લાગી છે. પણ તમારી પાસે પીવાના પાણીનું એક ટીપું નથી. તમને એવો અનુભવ થાય છે કે હમણાં તમે વિના પાણીએ તરફડીને મૃત્યુ પામશો. ધારો કે એ સમયે તમારી સમક્ષ કોઈ તમને પાણીનો ગ્લાસ ધરે તો તમે એને શું આપશો ?”
બાદશાહ હારૂન અલ રશીદે કહ્યું, “અરે આવે વખતે તો હું એને અર્થે રાજય આપી દઉં.” સૂફી સંતે બીજો પ્રશ્ન કર્યો, “બાદશાહ, ધારો કે તમે ખૂબ બીમાર પડ્યા હો, બચવાની કોઈ આશા ન હોય, દુનિયાના કાબેલ હકીમોએ કરેલા ઉપચાર નિષ્ફળ નીવડ્યા હોય અને એ જ સમયે તમને કોઈ દવાની પડીકી આપે અને સાજા થઈ જાવ, તો તમે એને શું આપો ?”
બાદશાહ બોલી ઊઠ્યા, “અરે ! આવા જાન બચાવનારને તો અર્ધ રાજ્ય આપી દઉં.” સૂફી સંત અબુ શીકે કહ્યું, “બાદશાહ, તમારા સામ્રાજ્યની તમામ દોલતની કિંમત પાણીના એક ગ્લાસ અને દવાની એક પડીકી જેટલી જ છે. જો તમારાં ધન-દોલતની આટલી જ કિંમત હોય, તો એનું આટલું બધું અભિમાન શાને?”
મંત્ર માનવતાનો
90