________________
ફી આપવાની ઉતાવળા અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકને રાજકારણમાં ઝુકાવ્યું, તે પૂર્વે અમેરિકાના સ્પ્રિંગફિલ્ડમાં વકીલાત કરતા હતા. નમ્ર, નિખાલસ અને માનવતાભર્યા વકીલ અબ્રાહમ લિંકને હર્નડન સાથે ભાગીદારીમાં વકીલાત માટે ઑફિસ શરૂ કરી. બંને વચ્ચે એવો કરાર હતો કે કેસ લડવા માટે અસીલ પાસેથી આવેલી ફીના પચાસ પચાસ ટકા વહેંચી લેવા..
કોઈ અસીલ લિંકનને એની વકીલાતની ફી આપે તે તરત જ લિંકન પોતાના સાથી અને ભાગીદાર હર્નડનને અડધી ફી આપી દેતા. અબ્રાહમ લિંકનની આવી ઉતાવળ એમના ભાગીદારને પસંદ પડી નહીં.
એ મનમાં વિચારતા કે નિરાંતે હિસાબ કરીએ તો શું ખાટુંમોળું થઈ જવાનું છે? લિંકન બિનજરૂરી ઉતાવળ કરે છે. એમણે એક વાર લિંકનને કહ્યું,
‘દોસ્ત, માફ કરજે, પણ મને તારી એક બાબત સહેજે પસંદ નથી. વકીલાતની ફી આવે કે તરત તું અડધો ભાગ આપવા દોડી જાય છે. આવી ઉતાવળ કરવાની જરૂર નથી. નિરાંતે આપે તો શો વાંધો આવે ?”
અબ્રાહમ લિંકને કહ્યું, ‘દોસ્ત, આમ કરવાની પાછળ ત્રણ કારણ છે. એક કારણ તો એ કે મેં ફી વસૂલ કરી છે એ પણ કદાચ ભૂલી જાઉં. તત્કાળ તમને આપી દઉં એટલે મારા મનમાં વસૂલાતની વાત પાકી થઈ જાય. બીજું કે વકીલાતની આ ફી કોની છે એ તમને કહું એટલે તેની પાસેથી તમારે કદી ઉઘરાણી કરવાની જરૂર રહે નહીં, તમને ખ્યાલ હોય કે આ અસીલની ફી આવી ગઈ છે. ત્રીજું કારણ એ છે કે જો મારું અવસાન થાય અને અસીલની ફી પેટે આવેલા પૈસા મારી પાસે રહી જાય, તો એનો કશો પુરાવો તમારી પાસે હોય નહીં.”
લિંકનની પ્રામાણિકતા જોઈને એમનો ભાગીદાર હર્નડન પ્રસન્ન થઈ ગયો.
મંત્ર માનવતાનો
87