________________
મંત્ર માનવતાનો
84
વ્યાધિ બની વિશેષતા
કેટલીક વ્યક્તિઓની બીમારી એમનાં તન-મન પર સવાર થઈ જાય છે, તો કેટલીક વ્યક્તિઓ સ્વયં બીમારી પર સવાર થઈ જાય છે. અમેરિકાના પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી સેમ ઉન્ટરમેયરને કૉલેજકાળથી જ દમ અને અનિદ્રાનો રોગ લાગુ પડ્યો હોવાથી આખી રાત જાગવું પડતું હતું, પરંતુ એમણે પોતાની આ વ્યાધિને વિશેષતામાં પલટાવી નાખવા માટે પથારીમાં પડખાં ફેરવવાને બદલે અભ્યાસ કરવાનું શરૂ કર્યું.
પરિણામે સિટી ઑફ ન્યૂયૉર્ક કૉલેજના તેજસ્વી વિદ્યાર્થી તરીકે પંકાવા લાગ્યા. એ પછી વકીલાત શરૂ કરી અને દમ અને અનિદ્રાથી થતી અકળામણને ભૂલીને વિચાર્યું કે કુદરત તો એની રીતે મારી કાળજી લેશે, પછી ઓછી ઊંઘની ફિકર શી ? વળી વ્યાધિની ચિંતા કરવાથી શું વળે ? એ એનું કામ કરે અને હું મારું કામ કરું. મારું કામ છે કાયદાઓનો ઊંડો અભ્યાસ કરીને કેસ લડવાનું. બસ, રોગની ચિંતા છોડીને કાર્યમાં ડૂબી જાઉં,
આથી એમણે સખત કામ કરવા માંડ્યું અને બીજા યુવાન વકીલો ઊંઘતા હોય, ત્યારે સેમ કાયદાશાસ્ત્રનાં પુસ્તકો વાંચતા હોય ! ૨૧ વર્ષની ઉંમરે એ જમાનામાં પંચોતેર હજાર ડૉલરની રકમ કમાતા હતા અને ઈ. સ. ૧૯૩૧માં તો એમને અમેરિકાના કાનૂની ઇતિહાસમાં કેસ લડવા માટે દસ લાખ ડૉલરની રકમ અને તેથ રોકડમાં મળી, જે એક વિક્રમરૂપ હતી.
સૈમ અનિદ્રાના વ્યાધિને કારણે અડધી રાત સુધી વાંચતા અને પાછા વહેલી સવારે પાંચ વાગે ઊઠીને લખવાનું શરૂ કરી દેતા. બીજા લોકો હજી પથારીમાંથી ઊઠીને દિનચર્યાનો પ્રારંભ કરે, ત્યારે સેમનું આખા દિવસનું કામ પૂર્ણ થઈ જતું ! જિંદગીમાં એમને ક્યારેય ગાઢ નિદ્રા આવી નહીં, તેમ છતાં ૮૧ વર્ષનું તંદુરસ્ત આયુષ્ય ભોગવ્યું. જો અનિદ્રાની અકળામણથી અશાંત થઈને સતત ચિંતાતુર રહ્યા હોત, તો આટલું લાંબું, સ્વસ્થ અને સફળ જીવન જીવી શક્યા ન હોત.