________________
સર્જનની ખૂબી
ઇંગ્લૅન્ડના મહાન સાહિત્યકાર ચાર્લ્સ ડિકન્સ ૧૮૧૨ ધી ૧૮૭૦)ની નવલકથાઓએ ઇંગ્લૅન્ડને ઘેલું લગાડ્યું. એમનાં પ્રસિદ્ધ પાત્રો લોકમાનસમાં રમવા લાગ્યાં અને સ્થળો અને દશ્યો વર્ણવવાની એમની કલા પર સહુ કોઈ વારી ગયાં. હાસ્યપ્રધાન પાત્રોના નિરૂપણમાં એમની મૌલિકતા અને સંવેદનશીલના પ્રગટ થતી હતી. ‘ડેવિડ કોપરફિલ્ડ’, ‘ટેલ ઑફ ટૂ સિટીઝ” અને ‘લિવર ટ્વિસ્ટ” જેવી કેટલીય નવલકથાના આ સર્જકે એટલી બધી લોકચાહના હાંસલ કરી કે ઇંગ્લૅન્ડની મહારાણી વિક્ટોરિયાને એમની પાસેથી એમની કોઈ કૃતિનો પાઠ સાંભળવાની ઇચ્છા થઈ.
મહારાણીએ નવલકથાકારને રાજમહેલમાં નિમંત્રણ આપ્યું અને રાણી પ્રત્યે માન અને આદર ધરાવતા ચાર્લ્સ ડિકન્સ એમની સમક્ષ ઉપસ્થિત થયા. મહારાણીએ આ સર્જકને કહ્યું કે તેઓ એમની કોઈ રચના સાંભળવા માગે છે, ત્યારે ચાર્લ્સ ડિકન્સે કહ્યું,
‘આને માટે તો તમારે મહેલ છોડીને એવી સભામાં આવવું પડશે કે જે સભામાં હું વિશાળ જનસમૂહને મારી રચનાઓનો પાઠ કરતો હોઉં.'
રાણીને આશ્ચર્ય થયું. સહેજ માઠું પણ લાગ્યું એટલે કહ્યું, ‘અહીં તો અનેક કવિઓ અને સર્જકો આવે છે અને એ સહુ એમની સાહિત્યકૃતિ પ્રસ્તુત પણ કરે છે, તો પછી તમને વાંધો શો ?’
ચાર્લ્સ ડિકન્સે કહ્યું, ‘મહારાણી, હું જે લેખન કરું છું તે રાજમહેલ માટે કરતો નથી, પરંતુ આસપાસના વિશાળ જનસમુદાયને માટે કરું છું. હું જેમને માટે સર્જન કરું છું એમની સાથે બેસો, તો જ મારા સર્જનની ખૂબીને પામી શકો. માટે મને અત્યારે તો માફ કરજો..
ચાર્લ્સ ડિકન્સે વિનમ્રતાપૂર્વક મહારાણીની વિદાય લીધી, પરંતુ રાણીનો આ સર્જક માટેનો આદર આ ઘટનાને પરિણામે અનેકગણો વધી ગયો.
મંત્ર માનવતાનો 83