________________
મમ્મા, આઇ એમ સૉરી અમેરિકાના પ્રમુખ જનરલ ગ્રાંટ અત્યંત ધર્મનિષ્ઠ વ્યક્તિ હતા. કામમાં ગમે તેટલા વ્યસ્ત હોય તોપણ રવિવારની પ્રાતઃ પ્રાર્થના ક્યારેય ચૂકતા નહીં. એક વાર એમના પ્રાર્થનાખંડમાં તેઓ રવિવારની પ્રભુપ્રાર્થના કરી રહ્યા હતા. આ પ્રાર્થનામાં એમના કુટુંબના સભ્યો અને પ્રમુખના રાજકીય સલાહકારો તેમજ કૅબિનેટ-મંત્રીઓ પણ સામેલ થયા હતા. બધા પ્રાર્થનામાં તલ્લીન હતા. ધર્મનિષ્ઠ પ્રમુખ ગ્રાંટ પણ એકચિત્તે પ્રભુપ્રાર્થનામાં ડૂબેલા હતા. એવામાં કંઈક અવાજ થયો. કોઈ ધીમા અવાજે ગુસપુસ કરતું હોય તેમ લાગ્યું. પ્રમુખ ગ્રાંટની પ્રાર્થનામાં આવો અવાજ થઈ કેમ શકે? એકાગ્રતાનો ભંગ કરનારી કોઈ પણ બાબતને પ્રમુખ સાંખી લેતા નહીં.
થોડી વારમાં લાફો મારવાના અવાજથી પ્રાર્થનાખંડ ગાજી ઊઠ્યો. એકાએક પ્રાર્થના થંભી ગઈ. પ્રાર્થનામાં અવાજ કરીને ખલેલ કરનાર પોતાના ત્રણ-ચાર વર્ષના પુત્રને પ્રમુખ ગ્રાંટે થપ્પડ લગાવી દીધી. આ દશ્ય જોનારા સહુ કોઈ સ્તબ્ધ બની ગયા. પ્રાર્થનાખંડમાં સન્નાટો વ્યાપી ગયો. થોડી ક્ષણોમાં આ ઘટનાની બધાને કળ વળી. પ્રાર્થના શરૂ કરવાની તૈયારી હતી, ત્યાં વળી એક થપ્પડ મારવાનો અવાજ સંભળાયો. ઓહ ! ગ્રાંટની માતાએ અમેરિકાના પ્રમુખ ગ્રાંટને ગાલ પર જોરથી થપ્પડ મારી.
અરે ! અમેરિકાના પ્રમુખ અને વિશ્વની સર્વસત્તાધીશ વ્યક્તિને આવી રીતે જાહેરમાં તમાચો મરાય ખરો ? એમના સચિવો અને સલાહકારોની હાજરીમાં આવું કરાય ખરું ? પ્રમુખની કૅબિનેટની એક અગ્રણી વ્યક્તિએ નમ્રતાથી ગ્રાંટની માતાને કહ્યું, “તમે આવું કેમ કર્યું ? માનનીય શ્રી ગ્રાંટ તો અમેરિકાના પ્રમુખ છે અને એમના હાથ નીચે કામ કરનારા અમે બધા ઉપસ્થિત છીએ, ત્યારે તમારે આવું કરવું જોઈતું નહોતું.”
ગ્રાંટની માતાએ સહેજ અટકીને જવાબ વાળ્યો, “જુઓ ! એણે એના દીકરાને માર્યો અને મેં મારા દીકરાને ! ખરેખર અમારે બંનેને પ્રાર્થનાની જરૂર છે, જેનાથી અમારો ગુસ્સો ઓછો થાય.” પ્રમુખ ગ્રાંટે હળવા સ્મિત સાથે કહ્યું, “મમ્મા, આઇ એમ સૉરી.”
6
0
મંત્ર માનવતાનો.
76