________________
કૅન્સર સામે કર્મઠતા
ટેલિવિઝન-શોમાં ખ્યાતિ સર્જિત કરનાર કલાકાર-દંપતી જિલ્લ ઇકેનબેરી અને માઇકલ ટેકરના પ્રસન્ન જીવનમાં એકાએક પલટો આવ્યો. ૧૯૮૬માં ‘એલ. એ. ટાઇમ્સ' નામના ટેલિવિઝન-શોનો પ્રૉજેક્ટ તૈયાર કર્યો અને હજી એમાં આગળ વધે તે પૂર્વે ઇકેનબેરીને બ્રેસ્ટ કૅન્સર થયાનું નિદાન થયું. સામે મૃત્યુ દેખાવા લાગ્યું.
ઇકેનબેરીને એની અનુપસ્થિતિમાં કુટુંબની કેવી દારુણ અને નિરાધાર દશા થશે એની દુ:ખદ યાદ પરેશાન કરવા લાગી. પલંગમાં પડી પડી હીબકાં ભરતી રડતી હતી, પણ એવામાં એને પોતાનું બાકીનું કામ યાદ આવ્યું. 'એલ. એ. ટાઇમ્સ' ધારાવાહિકનો ટેલિવિઝન-શો એન.બી.સી. ચૅનલે સ્વીકાર્યો. તન-મનની પીડા ભૂલીને કામમાં જીવ પરોવ્યો.
ઇકેનબેરી રોજ સવારે સેટ પર હાજર થઈ જતી. બપોરે સાડા ત્રણ વાગ્યે રેડિયેશન માટે જતી, પાછી ફરે ત્યારે થાકીને એવી લોયપોથ થઈ જતી કે ઘેર પાછા ફર્યા પછી સતત આરામ લેવો પડતો. બીજે દિવસે સવાર ઊગે એટલે કર્મશીલા ઇકેનબેરી તૈયાર થઇને સેટ પર જતી. આવી રીતે ધારાવાહિકના પ્રથમ ચાર હપતા પુરા થયા.
આ ટી. વી. ધારાવાહિકમાં કેનબેરી એન કેલ્સી નામની નારીની ભૂમિકા ભજવતી હતી. એન કેલ્સી દૃઢ સંકલ્પવાળી, ધ્યેયને વરેલી, આત્મવિશ્વાસથી પૂર્ણ નારી હતી. આવું પાત્ર ભજવતાં ભજવતાં ઇકેનબેરીમાં પણ એક પ્રકારની હિંમતનો સંચાર થયો. કૅન્સરનો સામનો કરવાનું સાહસ જાગ્યું અને પાંચેક વર્ષમાં તો એ એના સંકલ્પબળ અને એની કર્મઠતાને કારણે કૅન્સરમાંથી મુક્ત થઈ.
જિલ ઇકેનબેરી એક જ વાતને અનુસરી કે કૅન્સરના દર્દીઓ મોટા ભાગે અસ્વીકાર અને ઇન્કારની ભૂમિકાથી જીવન જીવતા હોય છે. જિલ ઇકેનબરીએ સ્વીકાર અને સાહસથી જીવવાનું સ્વીકાર્યું, આથી રોગનો ભય કે મોતનો ડર ક્ષીણ થઈ ગયો.
મંત્ર માનવતાનો 75