________________
મંત્ર માનવતાનો 74
ભક્તિ અને કર્મનો યોગ
બ્રિટનના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડૉ. જૉન બર્ડન સેંટસન હાઇને ઇ. સ. ૧૯૨૨માં કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં માનવશરીરમાં થતી રાસાયણિક ક્રિયાઓ વિશે સંશોધન કર્યું. આ સંશોધને એમને વિશ્વભરમાં ખ્યાતિ અપાવી. એ પછી એમણે વિચાર્યું કે ધર્મ અને આધ્યાત્મિક રહસ્યનું પણ અધ્યયન કરીએ. એમણે હિંદુ ધર્મગ્રંથો વાંચવાનું શરૂ કર્યું. એમાં પણ ‘શ્રીમદ્ ભગવદ્ગીતા' મળતાં એના અભ્યાસમાં લીન થઈ ગયા, પરંતુ જેમ જેમ અભ્યાસ કરતા ગયા, તેમ તેમ એમનો ભૌતિકતા માટેનો મોહ ઘટવા માંડ્યો.
એમને સમજાયું કે માત્ર ભૌતિક સાધનોથી માનવીને ક્યારેય સાચી શાંતિ કે સુખ પ્રાપ્ત થશે નહીં. સાચું સુખ પામવા માટે તો ‘શ્રીમદ્ ભગવદ્ગીતા' જેવા ગ્રંથોનું અધ્યયન કરવું પડે.
એમને ભારત દેશ જોવાની ઇચ્છા જાગી અને ૧૯૫૧માં એમનાં પત્ની સાથે ભારતભ્રમણ કરવા આવ્યા. અહીં ભુવનેશ્વરમાં જુદા જુદા ધર્મના પ્રચારકો એકત્ર થયા હતા. અચાનક એક બ્રિટિશ ધર્મપ્રચારકે આ વિજ્ઞાનીને જિજ્ઞાસાથી પૂછ્યું, “તમે એક અંગ્રેજ છો, તેમ છતાં ગીતાને કેમ સર્વશ્રેષ્ઠ ગ્રંથ માનો છો ? આ દુનિયામાં તો અનેક ધર્મગ્રંથો છે. બાઇબલ છે અને છતાં તમને ગીતાથી ચડિયાતો જગતમાં બીજો કોઈ ગ્રંથ કેમ લાગતો નથી.
બ્રિટિશ ધર્મપ્રચારકની વાત સાંભળીને ડૉ. હાલ્ડને કહ્યું, “ગીતા નિરંતર નિષ્કામ કર્મ કરવાની પ્રેરણા આપીને આળસુ વ્યક્તિને પણ કર્મ કરતી કરે છે. એ ભક્તિ અને કર્મને પરસ્પરના પૂરક બતાવે છે અને તેથી એ કોઈ સંપ્રદાય કે કોઈ ધર્મનો નહીં, પણ માનવ માત્રના કલ્યાણનો સંદેશ આપે છે. ગીતાએ આવી રીતે મને પ્રભાવિત કર્યો હોવાથી હું વિજ્ઞાની હોવા છતાં એને મારા સંશોધક જીવનને માટે ઉપયોગી માનું છું.' ડૉ. હાલ્ડેનનો ઉત્તર સાંભળીને બ્રિટિશ ધર્મપ્રચારક નિરુત્તર બની ગયા.